અગ્રિમ હરોળના કોરોના યોદ્ધાઓને 50 લાખનું વળતર આપવાની જાહેરાત માત્ર કાગળ પર

મુંબઈ, તા. 12 : રાજ્યનો કોરોનાથી થતા મૃત્યુનો આંકડો શનિવારે 10,000ને આંબી ગયો હતો. ભોગ બનેલાઓમાં અનેક પોલીસો, ડૉક્ટરો, નર્સો, પાલિકા અધિકારીઓ અને કર્મચારીઓનો સમાવેશ થાય છે જેમને ક્રન્ટલાઈન યોદ્ધા ગણવામાં આવે છે.
પાલિકાના 2198 કર્મચારીઓને ચેર લાગ્યો હતો તેમાંથી અત્યારસુધી 103 જણનાં મૃત્યુ થયાં છે. શનિવારે આસીસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશ્નર અશોક ખૈરનારનું મૃત્યુ થયું હતું.
કોરોનાથી મૃત્યુ પામનારા કર્મચારીનાં નજીકનાં સગાંને 50 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત પાલિકાએ જૂન મહિનામાં કરી હતી. પરંતુ હજી કોઈનાં સગાંને આ રકમ મળી નથી, એવું જાણવા મળે છે.
મ્યુનિસિપલ યુનિયન જનરલ સેક્રેટરી રમાંકાંત બનેએ જણાવ્યું હતું કે મોટા ભાગે ચતુર્થ શ્રેણીના કર્મચારીઓને ચેપ લાગ્યો છે. સોલીડ વેસ્ટ કર્મચારીઓ, ફાયર બ્રીગ્રેડ સ્ટાફ, હેલ્થ વર્કરો વગેરે ભરચક બસોમાં ફરજ પર જાય છે. પાલિકાએ તત્કાળ વળતર આપવું જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું.
ઈમરાન શેખ (32)એ તેનાં પિતા રફીક (58)ને કોરોનામાં ગુમાવ્યા હતા તેઓ ગોરેગાંવ ફાયર સ્ટેશનમાં કામ કરતા હતા. ઈમરાન પોતે બેરોજગાર છે. મારા પિતા 31મી મેનાં નિવૃત થવાના હતા અને 28મી મેનાં મૃત્યુ પામ્યા હતા, પણ તેને હજી વળતર મળ્યું નથી.
લાઈસંસ ડિપાર્ટમેનના સુરેન્દ્ર ખંડાગલે (47)ને ગત મહિને ચાર ચાર હૉસ્પિટલોમાં ધક્કા ખાવા પડયા હતા એ બાદ તેમનું મૃત્યુ થયું હતું. તેઓ બીકેસીમાં જથ્થાબંધ શાકભાજી બજારનું સુપરવીઝન કરતા હતા.
મુંબઈમાં 45 પોલીસોએ કોરોનામાં પ્રાણ ગુમાવ્યા છે અને મહારાષ્ટ્રમાં 75 પોલીસો ભોગ બન્યા છે તેમાંથી મોટાભાગનાને કોઈ અન્ય બિમારી નહોતી. રાજ્ય સરકાર અને પોલીસ કલ્યાણ વિભાગે વળતર આપવાની શરૂઆત કરી છે અને પરિવારજનને નોકરી આપવાની પ્રક્રિયા શરૂ કરી છે.
વિનોબા ભાવે નગર પોલીસ સ્ટેશનના આસીસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર સુનીલ કરઘુસ્કર (54) 8મી મેનાં મૃત્યુ પામ્યા હતા. તેમના પુત્ર સુશાંતે કહ્યું હતું કે મારી માતા ડિપ્રેશનમાં આવી ગયાં છે. સરકાર અમને મદદ કરી રહી છે. મેં મંત્રાલયમાં નોકરીની માગણી કરી છે.
બાંદરા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ દીપક હાટે (53)ને વરલીનાં કોવિડ કેર સેન્ટરમાંથી રજા અપાયા બાદ કલાકોમાં જ 29મી મેનાં રોજ તેમનું મૃત્યુ થયું હતું. તેમનાં પત્ની નલીનીએ કહ્યું હતું કે અમને હજી વળતર મળ્યું નથી.
Published on: Mon, 13 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer