ફરી પાટે ચડી રહી છે લાંબા અંતરની ટ્રેનો

ફરી પાટે ચડી રહી છે લાંબા અંતરની ટ્રેનો
મુંબઈ, તા. 12 : રેલવે મંત્રાલય દ્વારા 12 અૉગસ્ટ સુધી અન્ય ટ્રેનોનું બાકિંગ બંધ કરવામાં આવ્યું છે, પરંતુ વર્તમાનમાં ચાલી રહેલી ટ્રેનોમાં સ્થિતિ આશાજનક દેખાઈ રહી છે. પહેલી જુલાઈ પછી અનેક પ્રકારની છૂટ મળવાથી લોકો પાછા ફરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. એમાં રિક્ષા-ટેક્સીવાળા પણ સામેલ છે. ઔદ્યોગિક કારખાનાં તથા જુદી જુદી મેટ્રો યોજનાઓનું કામ શરુ થવાથી રોજગારની શોધમાં પ્રવાસી શ્રમિકો મુંબઈ પાછા આવવા લાગ્યા છે. રેલવે વિભાગ તરફથી મળેલા આંકડાઓ પર નજર કરીએ તો કોરોનાના ભયથી વતન જતા રહેલા શ્રમિકોમાંથી આઠથી નવ લાખ મજૂરો અને વેપારીઓ મુંબઈ પાછા આવી ગયા છે. 
લૉકડાઉનને કારણે જૂનના પહેલા અઠવાડિયા સુધી આખા મહારાષ્ટ્રમાંથી 844 ટ્રેનો દ્વારા 18 લાખ શ્રમિકોએ મુંબઈ છોડયું હતું. લગભગ 10 લાખ લોકો મુંબઈમાં બંધ દરમિયાન પોતાના ગામ જતા રહ્યા હતા. એમાંથી સાત લાખ લોકોએ ટ્રેનનો અને લગભગ બે લાખ લોકોએ વાહનવ્યવહારના અન્ય સાધનોનો ઉપયોગ કર્યો હતો. હવે, મુંબઈ આવતી 11 ટ્રેનોના ઉપલબ્ધ કરાયેલા આંકડા જોઈએ તો આ મહિને અત્યાર સુધી  પ્રવાસીઓની સંખ્યા 100 ટકા રહી છે. લોકો વેઈટિંગ ટિકિટ ખરીદી રહ્યા છે. પશ્ચિમ રેલવે મુજબ તેઓ પહેલી જુનથી અત્યાર સુધી સાડા ત્રણ લાખથી વધુ પ્રવાસીઓને મુંબઈ લઈ આવ્યા છે. સ્પેશિયલ ટ્રેનો શરુ થઈ હતી ત્યારે ટ્રેનો ફક્ત 70 ટકા ભરેલી હતી. પરંતુ હવે મોટાભાગની ટ્રેનોમાં 100 ટકા સીટનું બાકિંગ થઈ ગયું છે. પશ્ચિમ રેલવે દ્વારા ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન અને ગુજરાત માટે ટ્રેન દોડાવવામાં આવી રહી છે. 
મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શિવાજી સુતારે જણાવ્યું હતું કે હાલમાં લગભગ પાંચ લાખ પ્રવાસીઓ જુદી જુદી ટ્રેનો દ્વારા મુંબઈ પહોંચ્યાં છે. એમાંથી લગભગ ચાર લાખ પ્રવાસીઓ ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળથી આવ્યા છે. જુલાઈ મહિનામાં મુંબઈ આવનારી ટ્રેનોનું બાકિંગ ફૂલ છે. મુંબઈમાં ચાની ટપરી ચલાવતા કાન્હારામ સિરોહીએ જણાવ્યું હતું કે કામ તો જયારે ચાલુ થશે ત્યારે થશે પરંતુ બાળકોની શાળાઓ પણ અહીં જ છે. એ જો શરુ થઈ જશે તો ટ્રેનોમાં ગરદી વધી જશે. આથી તેઓ જલ્દી આવી ગયા છે. 
મુંબઈમાં રીક્ષા ચલાવનારા સંતોષ યાદવે જણાવ્યું કે લૉકડાઉન દરમિયાન આર્થિક સ્થિતિ કથળી ગઈ છે. એમના પિતાનું પણ નિધન થઈ  ગયું. ઘરના તમામ સભ્યોને મુંબઈથી ગાડી ભાડે કરીને જવું પડયું જેમાં 50000 રુપિયા ખર્ચ થઈ ગયા. હવે મુંબઈમાં રિક્ષા શરૂ થઈ ગઈ એટલે પાછા આવ્યા છીએ, આખરે અમારો રોજગાર તો અહીં જ છે. તેઓ કામાયની ટ્રેનથી આવ્યા હતા અને એમને કોઈ તકલીફ પડી નહોતી. 
રેલવેના આંકડાઓ મુજબ ઉત્તર પ્રદેશથી મુંબઈ આવતી કામાયની ટ્રેન અને મહાનગરી એક્સપ્રેસમાં સરેરાશ 120-150નું વેઈટિંગ લિસ્ટ છે. જો કે હમણાં વેઈટિંગ લિસ્ટના પ્રવાસીઓને પ્રવાસ કરવાની મંજૂરી નથી. એક અધિકારીએ જણાવ્યું હતું કે 12 અૉગસ્ટ પછી જો બાકિંગ શરુ થાય તો ઉતર પ્રદેશથી મુંબઈ આવતી ટ્રેનોમાં પહેલાં જેવી સ્થિતિ ઉભી થશે. સરકારે નિયમિત ટ્રેનો ઉપરાંત વિશેષ ટ્રેનો દોડાવવી પડશે. 
Published on: Mon, 13 Jul 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer