રાજ્યમાં કોરોનાના કેસોનું સર્વોચ્ચ શિખર બે-ત્રણ સપ્તાહ દૂર : નિષ્ણાંતો

રાજ્યમાં કોરોનાના કેસોનું સર્વોચ્ચ શિખર બે-ત્રણ સપ્તાહ દૂર : નિષ્ણાંતો
મુંબઈ, તા. 12 મહારાષ્ટ્રમાં શનિવારે એક દિવસના સૌથી વધુ 8139 કોરોના કેસ નોંધાયા હતા, પરંતુ તેની સામે મુંબઈ શહેરમાં સ્થિતિ લગભગ સ્થિર રહી હતી અને શનિવારે અહીં માત્ર 1284 કેસ નોંધાયા હતા અને છેલ્લા 48 કલાકમાં 39 મૃત્યુ થયા હતા. દેશની આર્થિક રાજધાનીમાં હવે કુલ 91,745 કેસ થયા છે, જેમાંથી 22,782 દરદી સારવાર હેઠળ છે અને મુંબઈનો કોરોનાનો મૃત્યુઆંક 5244 છે.
આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ મૃત્યુના આંકને બદલે સાજા થયેલા દરદીઓની સંખ્યા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે શનિવારે 4360 દરદીને રજા અપાઈ હતી. રાજ્યનો સાજા થવાનો દર 55.55 ટકા થયો હતો. અત્યાર સુધી 1.36 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે. 6.80 લાખ લોકો ઘરે અને 43,000 સંસ્થાકીય કવૉરેન્ટાઈનમાં છે.
ટોપેએ કહ્યું હતું કે રાજ્યમાં 12.85 લાખ સેમ્પલ લેવામાં આવ્યા હતા તેમાંથી 2.46 લાખ પૉઝિટિવ આવ્યા હતા.
નિષ્ણાંતોએ કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં કેસોનો જે વધારો થઈ રહ્યો છે તે મુંબઈ છોડીને પૂણે, ઔરંગાબાદ અને જલગાંવમાં વધી રહેલા કેસને કારણે છે. મહારાષ્ટ્રનું પીક (સર્વોચ્ચ શિખર) બે-ત્રણ સપ્તાહ રૂર છે. જોકે, મુંબઈમાં પીક બે મહિના પહેલા આવી ગયું હતું અને હવે મુંબઈમાં કોરોનાનો કર્વ સપાટ થઈ ગયો છે, એમ નિષ્ણાતોએ કહ્યું હતું.
રાજ્યનો મૃત્યુદર છેલ્લા 10 દિવસમાં ઘટીને 4.1 ટકા થયો છે, જે 30 જૂને 4.49 ટકા હતો. મુંબઈનો મૃત્યુદર 30 જૂને 5.86 ટકા હતો જે હવે 5.70 ટકા છે.
મુંબઈમાં શનિવારે નોંધાયેલા 39 મૃત્યુમાંથી 32 દરદીઓને અન્ય બિમારીઓ પણ હતી. મૃતકોમાં 25 પુરુષ હતા અને 14 મહિલા હતી. ત્રણ મૃતક 40 વર્ષથી નીચેની વયના હતા. 10 દરદી 40 અને 60 વર્ષની વચ્ચે અને 26 દરદી 60થી વધુ વયના હતા. એક વખતના શહેરના હોટ સ્પોટ ધારાવીમાં માત્ર 11 નવા કેસ નોંધાયા હતા. રાજ્યના કોરોના ટાસ્કફોર્સના સભ્ય ડૉ. શશાંક જોશીએ કહ્યું હતું કે હવે મુંબઈનું નવું લક્ષ્યાંક મૃત્યુદર ઘટાડીને એક ટકાથી ઓછું કરવાનું છે. શનિવારે 1284 કેસ અને 39 મૃત્યુદરથી મૃત્યુદર ત્રણ ટકાનો હતો.
Published on: Mon, 13 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer