સુશાંત સિંહ આત્મહત્યા પ્રકરણે રિયા ચક્રવર્તી વિરુદ્ધ ગુનો નોંધાયો

સુશાંત સિંહ આત્મહત્યા પ્રકરણે રિયા ચક્રવર્તી વિરુદ્ધ ગુનો નોંધાયો
પટણા, તા. 28 : બૉલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપુત આત્મહત્યા પ્રકરણમાં તેની કથિત પ્રેમિકા અને અભિનેત્રી રિયા ચક્રવર્તી વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. સુશાંત સિંહના પિતાએ કરેલી ફરિયાદ બાદ ગુનો નોંધવામાં આવ્યો હોવાની જાણકારી પટણા સેન્ટ્રલ ઝોનના ઇન્સ્પેક્ટર જનરલ સંજય સિંગે આપી હતી. રિયા ચક્રવર્તી વિરૂદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આક્ષેપ કરાયો છે. અભિનેતા સુશાંત સિંહે 14 જૂને બાન્દ્રા ખાતે એના ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. બાન્દ્રા પોલીસે આ મામલે અનેકની પૂછપરછ કરવાની સાથે નિવેદન નોંધ્યા છે. એમાં રિયા ચક્રવર્તીનો પણ સમાવેશ થાય છે. સંજય સિગે આપેલી જાણકારી મુજબ, રિયા ચક્રવર્તી વિરૂદ્ધ અનેક કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. 
ઉપરાંત, ચાર સભ્યોની એક ટીમ મુંબઈ રવાના કરવામાં આવી છે. આ ટીમ મુંબઈ પોલીસ પાસે કેસ ડાયરી તથા અન્ય મહત્ત્વના દસ્તાવેજો મેળવશે એમ સંજય સિંગે જણાવ્યું હતું. સુશાંતના પિતાએ રિયા ચક્રવર્તી પર અનેક આક્ષેપો કર્ય છે. એમાં પૈસા પડાવવા, માનસિક ત્રાસ આપવા જેવા આક્ષેપોનો સમાવેશ છે. સુશાંતના સગાસંબંધીઓએ મુંબઈ પોલીસ દ્વારા કરાતી તપાસ અંગે નારાજી વ્યક્ત કરી છે. 
બીજી બાજુ, સુશાંત સિંહની આત્મહત્યાની તપાસ સીબીઆઈને સોંપવાની માંગણી વારંવાર થઈ રહી છે. આ માંગણી કરનારાઓમાં ભાજપના નેતા સુબ્રહ્મણ્યમ સ્વામી, ભાજપના સાંસદ નિશિકાંત દુબે, પપ્પુ યાદવ, તેજસ્વી યાદવ, અભિનેતા શેખર સુમનની સાથે રિયા ચક્રવર્તીનો પણ સમાવેસ થાય છે. રિયા ચક્રવર્તીએ સોશિયલ મીડિયા દ્વારા કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ સમક્ષ સીબીઆઈની તપાસ માટે માગણી કરી હતી. સુબ્રહ્મણ્યમ સ્વામીએ આ અંગે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને પણ પત્ર લખ્યો છે. 
Published on: Wed, 29 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer