સાત વર્ષની વયે દૃષ્ટિ ગુમાવનાર સ્નેહા રાવલની એસએસસીમાં ઝળહળતી સિદ્ધિ

સાત વર્ષની વયે દૃષ્ટિ ગુમાવનાર સ્નેહા રાવલની એસએસસીમાં ઝળહળતી સિદ્ધિ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 31  : સ્નેહા રાવલ બોરીવલીની ડૉ. એસ. રાધાકૃષ્ણન વિદ્યાલયની આ વિદ્યાર્થીનીએ એસએસસીની પરીક્ષામાં 75.80 ટકા મેળવ્યા છે. તમને થશે કે એમાં શું? આટલા માર્ક્સ તો ઘણાને મળ્યા છે. પરંતુ સ્નેહાએ આ સિદ્ધિ પોતાની અક્ષમતાને અતિક્રમીને મેળવી છે. દર્શનભાઈ અને પિન્કીબેનની આ દીકરી સાત વર્ષની હતી ત્યારે બ્રેન ટ્યુમરને લીધે દ્રષ્ટિ ગુમાવી હતી. પરિવાર માટે આ અસહ્ય આઘાત હતો. પણ હિંમત હારે એ સ્નેહા નહીં, ટ્યુમર પર જ નહીં એણે પરિસ્થિતિ પર પણ મ્હાત મેળવી. દ્રષ્ટિની ઊણપની અભ્યાસ પર અસર પડવા ન દીધી. દ્રષ્ટિ ગુમાવવા છતાં એણે એ જ શાળામાં અભ્યાસ ચાલુ રાખવાનું નક્કી કર્યું. દર્શનભાઈ કહે છે કે પૂરતું ધ્યાન અને બોરીવલીની  ડૉ. એસ. રાધાકૃષ્ણન વિદ્યાલયની કેર સેન્ટર ટીમના સહયોગથી તથા રાઈટરની મદદથી સ્નેહાએ એસએસસીની પરીક્ષા આપી અને સારા ગુણાંક સાથે ઝળકી ઊઠી. તમામ અભ્યાસ એણે સાંભળીને, યાદ રાખીને કર્યો છે. ટ્યુશન ટીચર દીપિકા પટેલ પણ એને ખૂબ મદદરુપ બન્યાં હતાં. સ્કૂલનો સ્ટાફ છેલ્લા 10 વર્ષથી સ્નેહાની શિક્ષણયાત્રાનો હિસ્સો રહ્યો છે અને નિરંતર સપોર્ટ કર્યો છે. સ્નેહાને મ્યુઝિકનો શોખ છે અને આર્ટસ શાખામાં આગળ વધવા માગે છે. 
આજના બાળકોને મોબાઈલ, કોમ્પ્યુટર, લેપટોપ વગર ચાલતું નથી, અભ્યાસ કરવા માટે પણ તેનો ઉપયોગ કરતાં હોય છે. પરંતુ સ્નેહાએ મોબાઈલ, કોમ્પ્યુટર, લેપટોપ કે બ્રેઈલ મશીનના ઉપયોગ વગર તમામ અભ્યાસ પોતાની ધગશ અને મહેનતથી કર્યો છે. શાળામાં સાયન્સમાં એને ફિઝિયોલૉજી અને હોમ સાયન્સ સબ્જેક્ટ હતા તથા મૅથ્સમાં ભૂમિતિની જગ્યાએ મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ વિષય હતો. શિક્ષકો શાળામાં ભણાવે એ ધ્યાનથી સાંભળીને સ્નેહા ઘરે આવીને માતાપિતાને અને ટ્યુશન ટીચરને સમજાવતી હતી. ટ્યુશન ટીચર એનો હાથ પકડીને આકૃતિ સમજાવતાં. પિન્કીબહેન કહે છે કે શાળાએથી આવીને એ ફક્ત એકથી દોઢ કલાક જ અભ્યાસ કરતી હતી પરંતુ હોશિયાર અને સારી ગ્રહણશક્તિને કારણે ઝડપથી શીખી જતી હતી. સ્નેહાને પોતાને પણ પોતાની ક્ષમતા બાબતે ક્યારેય શંકા રહી નથી. એને વિશ્વાસ હતો કે એ સારા ગુણાંક સાથે સફળ થશે જ. 
બોરીવલીમાં રહેતો આ સિહોર સંપ્રદાય ઔદિચ્ય બ્રાહ્મણ રાવલ પરિવાર સ્નેહાની સફળતાથી ગર્વ અનુભવે છે. દર્શનભાઈ કહે છે કે સ્નેહાએ કોઈપણ ક્લાસમાં ગયા વગર રેગ્યુલર શાળામાં ભણીને આ સિદ્ધિ મેળવી છે.   
Published on: Sat, 01 Aug 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer