હીરાબજારમાં કામકાજના સમયમાં બે કલાકનો વધારો

હીરાબજારમાં કામકાજના સમયમાં બે કલાકનો વધારો
એક ઘંટી પર બે કારીગરો બેસી શકશે 
અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 31 : આવતીકાલથી અનલોક 3.0 શરૂ થઇ રહ્યું છે. સુરતમાં કોરોના સંક્રમણ તેની ગતિએ આગળ વધી રહ્યું છે. વેપારી ગતિવિધીઓ ચાલુ રહે તે માટે હીરાઉદ્યોગ માટેની ગાઇડલાઇનમાં કેટલોક ફેરકાર કરાયો છે. સુરત મનપાએ હીરાબજારના કામકાજના સમયમાં બે કલાકના વધારાને મંજૂરી આપી છે. તેમજ એક ઘંટી પર બે કારીગરોને બેસવા દેવાની પણ છૂટ આપી છે.  
જો કે આ માટે કડક નિયમોનું પાલન કરવું જરૂરી રહેશે. કારીગરનો કોરોના ટેસ્ટ કરાવવાનો રહેશે તેમજ જે કારીગરનો ટેસ્ટ નેગેટીવ આવશે તે જ વ્યક્તિને ઘંટી બેસવા દેવામાં આવશે. કોઇ પણ પ્રકારના લક્ષણોવાળા વ્યક્તિને એક સાથે વધુ વ્યક્તિવાળી ઘંટી પર બેસવા દેવામાં આવશે નહિ. આ તકેદારી સાથે કામકાજને વેગ આપવાની સૂચના મનપાએ આપી છે.  તેમજ સુરત મનપાએ હીરાબજારના કામકાજના સમયમાં બે કલાકનો વધારો મંજૂર કર્યો છે. અગાઉ બપોરે બે કલાકથી સાંજે છ કલાકનો કામકાજનો સમય હતો. સાંજના સમયે પ્રકાશ ઓછો થતાં હીરાની ચમક જોવામાં અનેક વખત તકલીફ પડતી હોવાથી સમય સવારનો કરવા માટે વિનંતી કરાઇ હતી. જો કે, મનપાએ હીરાબજારનો સમય બે કલાક વધારીને સવારે 12 થી સાંજે છ સુધીનો કર્યો છે.  
સુરતમાં હીરાબજારમાં કામકાજમાં વેગ આવતા ઝડપથી આર્થિક સુધારાઓ જણાશે. હાલમાં હીરાબજારમાં કામકાજ બંધ હોવાથી કારીગરોએ પરિવાર સાથે વતનની વાટ પકડી છે. તેમજ શહેરમાં બેકાર બનેલા રત્નકલાકારોએ સુરતમાં જ નાની-મોટી મજૂરી કામ શરૂ કર્યાનું પ્રકાશમાં આવ્યું છે.  
Published on: Sat, 01 Aug 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer