બેન્કિગ કંપનીઓના શેરમાં લેવાલીના જોરે મક્કમ વલણ

સતત ચોથા સત્રમાં શૅરબજારમાં વધારો 
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 11 : સતત ચોથા દિવસે સ્થાનિક શૅરબજારોમાં વધારો નોંધાયો હતો. સેન્સેક્સ 225 પોઈન્ટ્સ (0.6 ટકા) વધીને 38,407.01ના સ્તરે બંધ રહ્યો હતો. ફાઈનાન્સિયલ શૅર્સમાં નોંધપાત્ર લેવાલીના ટેકે સેન્સેક્સમાં ઉછાળો આવ્યો હતો. તેમ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિવેદન આપ્યુ કે કોવિડ-19ના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે, તેમના આ નિવેદનના પગલે રોકાણકારોનું સેન્ટિમેન્ટ સુધર્યું હતું. 
બીજી બાજુ એનએસઈનો નિફ્ટી 52 પોઈન્ટ્સ (0.46 ટકા) વધીને 11,322.50ના સ્તરે બંધ રહ્યો હતો. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વીઆઈએક્સ 5.57 ટકા ઘટીને 21.25ના સ્તરે બંધ 
રહ્યો હતો. સેન્સેક્સમાં ખાનગી ક્ષેત્રની એક્સિસ બૅન્કનો શૅર ચાર ટકાથી પણ વધુ વધ્યો હતો, જ્યારે ટાઈટન કંપનીનો શૅર સૌથી વધુ ચાર ટકા જેટલો ઘટ્યો હતો, જેનું મુખ્ય કારણ જૂન ત્રિમાસિકના નબળા નાણાકીય પરિણામ હતું. વ્યાપક બજારમાં એસએન્ડપી બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ 0.2 ટકા ઘટીને 14,392 બંધ રહ્યો, જ્યારે એસએન્ડપી બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 0.23 ટકા ઘટીને 13,837ના સ્તરે બંધ રહ્યો હતો. 
ક્ષેત્રવાર સૂચકાંકોમાં એનએસઈમાં નિફ્ટી બૅન્ક સૂચકાંક 1.5 ટકા વધીને 22,227.20ના સ્તરે અને નિફ્ટી મેટલ 1.66 ટકા વધીને 2,370.65ના સ્તરે બંધ રહ્યો હતો. 
વૈશ્વિક બજારો 
વૈશ્વિક બજાર સાડા પાંચ મહિનાની ઉપલી સપાટીએ હતો. જેનું મુખ્ય કારણ અમેરિકાના ઉત્તેજક પેકેજને લીધે સિનો-ચીન તણાવ ઘટતા રોકાણકારોનું સેન્ટિમેન્ટ સુધર્યું હતું. 49 દેશને આવરી લેતો એમએસસીઆઈનો ગ્લોબલ ઈક્વિટી ઈન્ડેક્સ 0.4 ટકા વધ્યો હતો, જ્યારે જપાન બહારનો એમએસસીઆઈનો એશિયન શૅર્સ એક ટકા વધ્યો હતો. જપાનનો નિક્કી 1.9 ટકા વધ્યો હતો. કોમોડિટીમાં ક્રૂડ તેલના ભાવ વધ્યા હતા. બ્રેન્ટ ક્રૂડ 29 સેન્ટ્સ (0.6 ટકા) વધીને પ્રતિ બેરલ 45.28 ડોલર થયા હતા. જ્યારે વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમિડિયેટ યુએસ ક્રૂડ 38 સેન્ટ્સ (0.9 ટકા) પ્રતિ બેરલ 42.32 ડોલર ટ્રેડ થઈ રહ્યા હતા.
Published on: Wed, 12 Aug 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer