જૂનમાં માસિક ધોરણે ઔદ્યોગિક પ્રવૃત્તિ સુધરી

ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડાનો વેગ ધીમો પડ્યો  
નવી દિલ્હી, તા. 11 : જૂન 2020માં ઔદ્યોગિક ઉત્પાદનમાં એક વર્ષની તુલનાએ 16.6 ટકા ઘટાડો નોંધાયો હતો. મે મહિનામાં આ આંકડો (-)33.9 ટકા હતો એ જોતા ઔદ્યોગિક પ્રવૃત્તિ જૂનમાં થોડા પ્રમાણમાં વધી હતી એમ આ આંકડા દેખાડે છે. 
રાષ્ટ્રવ્યાપી લોક ડાઉનની અસર પુરા પ્રમાણમાં ઓસરી નહીં હોવાથી જૂનમાં આ ઘટાડો નોંધાયો હોવાનું નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસે જણાવ્યું હતું. 
માર્ચના અંત ભાગમાં લદાયેલો લોક ડાઉન જૂનમાં થોડા અંશે હળવો બનાવાયો હતો, જેને લીધે ઔદ્યોગિક પ્રવૃત્તિઓમાં વધારો થયો હતો પણ રાજ્ય સરકારો અને મ્યુનિસિપલ કોર્પોરેશનોએ ત્યાર પછી અમુક વિસ્તારોમાં ફરીથી લોક ડાઉન અમલી કરતા ઔદ્યોગિક ઉત્પાદનને તેની અસર થઇ હતી.  
નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસે મંગળવારે ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીઅલ પ્રોડક્શનની વિગતો જાહેર કરી હતી.  
આ આંકડાઓની ગણતરી માટે 2011-12 ને પાયાનું વર્ષ ધારવામાં આવે છે.  
એપ્રિલ અને મેમાં લોક ડાઉનને કારણે પૂરતા આંકડા મેળવી શકાયા ન હોવાથી ઔદ્યોગિક ઉત્પાદનના ઇન્ડેક્સ જાહેર કરાયા નહોતા. માત્ર જે આંકડા ઉપલબ્ધ હતા તેને આધારે ઉત્પાદનનો અંદાજ લગાવાયો હતો. 
જૂનમાં ઘટાડા સાથે ઔદ્યોગિક ઉત્પાદનમાં લાગલગાટ ચાર મહિના ઘટાડો થયો છે. 
2020-21ના નાણાકીય વર્ષના પહેલા ત્રણ મહિના એપ્રિલથી જૂન દરમિયાન ઔદ્યોગિક ઉત્પાદનમાં 35.9 ટકા નોંધાયો છે જે એક વર્ષ અગાઉ ત્રણ ટકાનો વધારો હતો. 
માઇનિંગ, મેન્યુફેક્ચારિંગ અને ઈલેક્ટ્રીસીટી, એમ ત્રણે વર્ગના ઉત્પાદનમાં જૂનમાં ઘટાડો નોંધાયો હતો. એ જ રીતે કન્ઝ્યુમર ગૂડ્સ, કેપિટલ ગૂડ્સ અને ઇન્ટરમીજીએટ ગૂડ્સ તેમ જ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ગૂડ્સમાં પણ ઉત્પાદન ઘટ્યું હતું. 
મે મહિનાનો ઇન્ડેક્સ જે અગાઉ (-)34.7 ટકા હતો તેને સુધારીને (-)33.9 ટકા કરાયો હતો. 
લોક ડાઉન દરમિયાન અનેક ઉદ્યોગો બંધ પડ્યા હતા. ઉપરાંત આંકડા એકત્ર કરવાનું કામ લોક ડાઉન ને લીધે મુશ્કેલ બન્યું હતું એટલે આ આંકડાને લોક ડાઉન અગાઉના આંકડા સાથે સરખાવવા યોગ્ય નથી એમ નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસે કહ્યું હતું.
Published on: Wed, 12 Aug 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer