પાલિકા કમિશનર નેતાઓને ગાંઠતા નથી

મુંબઈ, તા. 11 : મહાપાલિકા કમિશનર ઈક્બાલાસિંહ ચહલે શહેરમાં કોરોના સંક્રમણ દરમિયાન કરેલી સારી કામગીરીને લીધે આજકાલ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની 'ગુડ બુક્સ'માં છે. આથી જ કદાચ તેઓ મેયર સહિત પાલિકામાંના શિવસેનાના અન્ય પદાધિકારીઓને પણ ગાંઠતા નથી. તેનો અનુભવ તાજેતરમાં મેયર કિશોરી પેડણેકરે બોલાવેલી જૂથ નેતાઓની માટિંગમાં થયો હતો. કમિશનર પાલિકા મુખ્યાલયમાં હોવા છતાં આ માટિંગમાં ફરક્યા નહોતા. કમિશનરે વિડીયો કોન્ફ્રન્સિગનો આગ્રહ કર્યો હતો પરંતુ તમામ પક્ષના જૂથનેતાઓએ તે માગણી માન્ય ન કરીને મીટીંગનો બહિષ્કાર કરતાં છેવટે આ બેઠક યોજાઈ શકી નહોતી. 
કોરોનાને લીધે છેલ્લા પાંચ મહિનાથી પાલિકાની વિવિધ સમિતિઓની એક પણ બેઠક યોજાઈ નથી. મેયરના અધ્યક્ષ પદે યોજાતી જૂથનેતાઓની બેઠક પણ થઇ નહોતી. આથી મુંબઈના વિકાસ કાર્યો રખડી પડયાં છે અને વ્યૂહાત્મક નિર્ણય લઇ શકાયા નથી. તેથી આ બેઠક તત્કાળ યોજવાની માગણી ભાજપ, કોંગ્રેસ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ અને સમાજવાદી પક્ષે કરી હતી. આથી મેયર સોમવારે સાંજે ચાર વાગ્યે કમિશનરની ઓફિસ પાસેના સુધાર સમિતિ કાર્યાલયના સભાગૃહમાં જૂથનેતાઓની બેઠક યોજી હતી. આ સમિતિમાં વિવિધ સમિતિના અધ્યક્ષ સહિત, જૂથ નેતાઓ, એડિક્શનલ કમિશનર ઉપસ્થિત હતાં પરંતુ કમિશનર ઈક્બાલાસિંહ ચહલએ બેઠકમાં ઉપસ્થિત રહેવાની ના પાડી દીધી હતી. પોતે વિડીયો કોન્ફ્રન્સિગ દ્વારા સહભાગી થશે એવું તેમણે મેયરને જણાવ્યું હતું. 
Published on: Wed, 12 Aug 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer