કાંદિવલી પશ્ચિમમાં વીજ ગ્રાહકને જુલાઈમાં આવ્યું દસ ગણું બિલ

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 11 : રાજ્યની વીજળી કંપનીઓએ જૂન-જુલાઈ મહિનામાં તેમનાં હજારો વપરાશકારોને મોકલેલાં વીજળીનાં ઊંચા બિલથી વપરાશકારો પરેશાન છે. અનેકને તો 8થી 10 ગણાં બિલ આવ્યાં છે. મધ્યમવર્ગના કે ચાલીઓમાં રહેતા ગ્રાહકો પણ તેમાંથી બાકાત નથી.
કાંદિવલી પશ્ચિમમાં રહેતાં તાતા પાવરના વપરાશકાર હેમાબેન દોમડિયાને જુલાઈમાં સરેરાશ કરતાં દશથી બાર ગણું વીજળી બિલ આવતાં તેઓ ચોંકી ઉઠયાં હતાં. તેમણે કહ્યું હતું કે અમને સામાન્યરીતે 1100થી 1400 રૂપિયા સુધીનું બિલ આવે છે પણ જુલાઈમાં 15830 રૂપિયાનું તોતિંગ બિલ આવ્યું છે. ફેબ્રુઆરીમાં રૂા. 1329, માર્ચમાં રૂા. 1282, એપ્રિલમાં રૂા. 969, મેમાં રૂા. 1132 અને જૂનમાં રૂા. 1178 બિલ આવ્યું હતું. જુલાઈમાં આટલું મોટું બિલ કેમ આવી શકે? કંપનીએ તત્કાળ તેમાં સુધારો કરી આપવો જોઈએ.
કાંદિવલી વેસ્ટ ચારકોપમાં રહેતા તાતા પાવરના વપરાશકાર બાબુભાઈ પ્રજાપતિને જૂનમાં લગભગ પાંચ ગણું રૂા. 6947નું બિલ આવ્યું છે. તેમને ફેબ્રુઆરીમાં રૂા. 1444, માર્ચમાં રૂા. 1503, એપ્રિલમાં રૂા. 1246, મેમાં રૂા. 1255નું બિલ આવ્યા બાદ જૂનમાં ઘણું વધારે બિલ આવ્યુ છે. તેમણે કહ્યું હતું કે અમારો એટલો વીજ વપરાશ કેવી રીતે હોઈ શકે?
બોરીવલી વેસ્ટમાં રહેતા તાતા પાવરના વપરાશકાર દેવ ગજ્જરને સામાન્યરીતે 1100થી 1300 રૂપિયાની આસપાસ બિલ આવે છે. પરંતુ જૂનમાં તેમને લગભગ ચાર ગણું 4960 રૂપિયાનું બિલ આવ્યું છે. માર્ચમાં રૂા. 1305, એપ્રિલમાં રૂા. 1256 અને મેમાં રૂા. 1191નું બિલ આવ્યું હતું.
Published on: Wed, 12 Aug 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer