વેપારીઓ છેડશે ઊગ્ર આંદોલન, કોર્ટમાં જશે

એપીએમસી સેસ તત્કાળ રદ નહીં કરાય તો
મણિલાલ ગાલા તરફથી
નવી મુંબઈ, તા. 11 : મહારાષ્ટ્રના ખેડૂતોને હવે તેમની કૃષિ પેદાશો એપીએમસી માર્કેટોમાં લાવ્યા વિના વેચવાની પરવાનગી આપવામાં આવી છે. ત્યારે એપીએમસી માર્કેટોમાં સેસ નાબૂદ નહીં કરવામાં આવતાં આ માર્કેટોનાં અસ્તિત્વ સામે જ મોટો પ્રશ્ન ઊભો થતો છે. રાજ્ય સરકારના આ કહેવાતા બેવડાધોરણ સામે વેપારીઓમાં ભારે નારાજગી ફેલાઈ છે અને એની વિરુદ્ધ તીવ્ર આંદોલનની ચેતવણી આપી છે અને કેટલાક ગ્રાહકો જનહિતની અરજી પણ કરવાની તૈયારી કરી રહ્યા હોવાનું જાણવા મળે છે.
શનિવારે રાજ્ય સરકારે જાહેર કરેલા નવા નિયમો હેઠળ હવે ખેડૂતો અનાજ, કઠોળ, તેલીબિયાં અને દાળ જેવી જીવનાવશ્યક ચીજો વ્યક્તિગત ખરીદદારો કે કોર્પોરેટ કંપનીઓને એપીએમસીમાં લાવ્યા વિના સીધી વેંચી શકશે. જ્યારે માર્કેટમાં લાવીને વેંચતા વેપારીઓને 80 પૈસાથી એક રૂપિયા સુધીનો સેસ ચૂકવવો પડે છે.
આ અગાઉની રાજ્ય સરકારે જુલાઈ 2016માં ફળો અને શાકભાજીના વેપારને એપીએમસીમાંથી મુક્ત કર્યો હતો.
રાજ્ય સરકારના આ નિર્ણયનો ઉગ્ર વિરોધ કરતાં નવી મુંબઈ મરચન્ટ્સ ચૅમ્બર અને બૉમ્બે મૂડી બજાર કરિયાણાં મરચન્ટ્સ ઍસોસિયેશનના ચૅરમૅન કીર્તિભાઈ રાણાએ જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે ઙ્ગએક દેશ, એક ટૅકસઙ્ખ તેમ જ ઙ્ગએક દેશ, એક મંડીઙ્ખની વાત કરી છે ત્યારે માર્કેટોના અંદર સેસ અને બહાર મુક્ત વેપાર એવાં બેવડાં ધોરણ કેવી રીતે અપનાવી શકાય? આ ભેદભાવ, અસમાનતા અને કુદરતી ન્યાયની વિરુદ્ધ છે અમે આ અંગે કાનૂની સલાહકારોની સલાહ લઈને તેને કોર્ટમાં પડકારીશું અને જરૂર પડતાં બીજી અૉક્ટોબરથી આમરણાંત ઉપવાસ પર ઉતરીશું. તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકારે જો એપીએમસીનું અસ્તિત્વ ટકાવવું હોય તો તત્કાળ સેસ રદ કરવો જોઈએ. કારણ કે કેન્દ્ર સરકારે તે રાજ્યો પર છોડયું છે.
સેસને બદલે મંડીઓ ચલાવવાના ખર્ચ પેટે મેઇન્ટનન્સ ચાર્જ લઈ શકાય અને જીએસટીમાંથી સરકાર અનુદાન પણ આપી શકે.
સરકારનું આ પગલું મૉલ, મલ્ટિનેશનલ કંપનીઓ અને ઉદ્યોગોના હિતમાં છે કારણ કે નાના વેપારીઓને સીધો ખેડૂતો પાસેથી માલ મંગાવવાનું પરવડશે નહીં અને તેમણે એપીએમસી પર આધાર રાખવો પડશે અને એપીએમસીમાં તેમને માલ મોંઘા ભાવે ખરીદવો પડશે. એટલે રિટેલ વેપારીઓને પણ ભય છે કે તેમના વેપાર ધંધા મોટા મોલ અને મલ્ટિનેશનલો પાસે ચાલ્યા જશે. આથી કેટલાક રિટેલરો પણ કોર્ટમાં જાહેર હિતની અરજી નોંધાવવાનું વિચારી રહ્યા છે, એમ રાણાએ જણાવ્યું હતું.
રાજ્યમાં કુલ 306 એપીએમસી છે અને તેમનું વાર્ષિક ટર્નઓવર 2019-20માં લગભગ 48000 કરોડ રૂપિયાનું હતું. પરંતુ હવે જો બધા ખેડૂતો પાસેથી સીધો માલ મંગાવશે તો એપીએમસી માર્કેટોનું શું વજૂદ રહેશે? એવી દલીલ પણ વેપારીઓ કરી રહ્યા છે.
નવા નિયમ પ્રમાણે મોટી રિટેલ શ્રૃંખલાની દુકાનો કે મોલ સીધા ખેડૂતો સાથે વેપાર કરશે અને વચ્ચેથી એપીએમસી નીકળી જતાં ગ્રાહકોને વ્યાજબી ભાવે માલ મળશે, એમ રાજ્યના એક કૃષિ-માર્કેટિંગ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.
દરમિયાન નવી મુંબઈ એપીએમસીના સેક્રેટરી એ.કે. ચવાણે જણાવ્યું હતું કે એપીએમસીનું અસ્તિત્વ ટકાવી રાખવા તેને સ્પર્ધામાં ઊભા રહેવું પડશે. આથી રાજ્ય સરકારે સેસ અને અન્ય ફી ઘટાડવી પડશે. નહીં તો બજારોની આવક ઘટી જશે.
ગ્રોમાએ નોંધાવ્યો તીવ્ર વિરોધ
દરમિયાન ઙ્ગગ્રોમાઙ્ખના મંત્રી ભીમજીભાઈ ભાનુશાલીએ જણાવ્યું હતું કે સરકારના નવા નિયમથી એપીએમસી માર્કેટના વેપારીઓ અને બજાર બહારના વેપારીઓના માલમાં ભાવની અસમાનતા સર્જાશે તેનાં ગંભીર પરિણામ એપીએમસીના વેપારીઓને ભોગવવા પડશે.
આ સંબંધમાં તાજેતરમાં અમે રાષ્ટ્રવાદી કૉંગ્રેસના પ્રમુખ શરદ પવારને મળ્યા હતા. તેમ જ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખી રજૂઆત કરી હતી, પરંતુ કોઈ યોગ્ય પ્રત્યુત્તર મળ્યો નથી. આથી વેપારીઓ તેમનો વિરોધ દર્શાવવા આંદોલન કરવાના મિજાજમાં હોવાનું ભાનુશાલીએ જણાવ્યું હતું.
Published on: Wed, 12 Aug 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer