અંતિમ વર્ષની પરીક્ષા બાબતે હજી અવઢવની સ્થિતિ

મુંબઈ, તા. 11 : અંતિમ વર્ષની પરીક્ષા લીધા વગર પદવી આપવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે તો યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશન (યુજીસી)એ પરીક્ષા લેવાની સૂચના આપી છે. વ્યવસાયિક અભ્યાસક્રમો અંગે પણ ગૂંચવણો છે. આ આખો વિવાદ હવે અદાલતમાં ગયો હોવા છતાં ઉચ્ચ અદાલત અથવા સર્વોચ્ચ અદાલતે કોઈપણ પ્રકારની મોકૂફી જાહેર કરી નથી. યુનિવર્સિટીઓએ પોતાની સ્વાયત્તતાના આધારે પોતાના સ્તરે નિર્ણય લેવો જરુરી હતો. પરંતુ યુનિવર્સિટીઓ પણ કોઈ નિર્ણય લેતી ન હોવાથી વિદ્યાર્થીઓ ગૂંચવણમાં છે. 
અંતિમ વર્ષની પરીક્ષા બાબતે યુજીસી અને વ્યવસાયિક અભ્યાસક્રમોની શિખર પરિષદો મક્કમ છે. પરંતુ મહારાષ્ટ્ર સહિત કેટલાક રાજ્યોએ પરીક્ષા ન લેવાનો નિર્ણય કર્યો છે. અદાલતના ચુકાદા પર બધો આધાર હોવા છતાં યુનિવર્સિટીએ પોતાનો નિર્ણય જાહેર કરવો અપેક્ષિત હતો. એ પછી સુપ્રીમ કોર્ટના નિર્ણય મુજબ એમાં ફેરફાર કરી શકાય એમ હતો. 19મી જુલાઈએ યુજીસીએ પરીક્ષા અૉનલાઈન લેવા અંગે પણ સ્પષ્ટતા કરી હતી પરુંતુ રાજ્યની યુનિવર્સિટીઓએ આ બાબતે કોઈપણ નિર્ણય લીધો નથી. આથી પણ ગૂંચવણો વધતી હોવાનો નિષ્ણાતોનો મત છે. આમાં શિક્ષણ માટે વિદેશ જવા ઇચ્છુક વિદ્યાર્થીઓને મોટું નુકસાન થશે અને આ વખતે તેઓ એડમિશન નહીં લઇ શકે. 
દેશની કુલ 945 ખાનગી, સરકારી, ડીમ્ડ યુનિવર્સિટીઓએ યુજીસીને તેમની પરીક્ષા બાબતે માહિતી આપી છે. એમાંથી 194 યુનિવર્સિટીએ પરીક્ષાઓ લઇ લીધી છે તો 366 યુનિવર્સિટીઓની પરીક્ષા ચાલી રહી છે. 
વિદ્યાપીઠ પરિનિયમ સમિતિના ભૂતપૂર્વ સભ્ય આનંદ માપુસકરે જણાવ્યું હતું કે રાજ્યની યુનિવર્સિટીઓને સંપૂર્ણ સ્વાયત્તતા છે. તેમણે રાજ્ય સરકારના નિર્ણય અને યુજીસીની સૂચનાઓ બાબતે ચર્ચા કરીને એક નિર્ણય લઈને વિદ્યાર્થીઓને દિલાસો આપવો જોઈએ. ઉચ્ચ અને તંત્ર શિક્ષણ ખાતાના ભુતપૂર્વ  પ્રધાન વિનોદ તાવડેએ જણાવ્યું હતું કે યુનિવર્સિટીઓ અને રાજ્ય સરકારે ભેગાં થઈને આ બાબતે ગૂંચવણ દૂર કરવી જોઈએ. 
મહારાષ્ટ્રમાં પરીક્ષા અંગે અનિશ્ચિતતાનું વાતાવરણ હોવા છતાં આ વર્ષની આખરમાં પરીક્ષા થશે એવી આશા કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ ખાતાએ વ્યક્ત કરી છે. આ અંગે સંસદીય સમિતિ સાથે ચર્ચા કરતી વખતે આ શૈક્ષણિક વર્ષ પૂર્ણપણે નકામું જશે નહીં એવું અધિકારીઓએ જણાવ્યું હતું. શાળા અને કોલેજો ક્યારથી શરુ કરવી એ અંગે પણ રાજ્ય સરકાર સાથે ચર્ચા કરીને જ નિર્ણય લેવાશે એવું તેમણે સ્પષ્ટ કર્યું હતું. 
14મી ઓગસ્ટ સુનાવણી 
યુનિવર્સિટીઓની અંતિમ વર્ષની પરીક્ષા રદ કરવાનો અધિકાર રાજ્યોને ન હોવાની ભૂમિકા લઈને મહારાષ્ટ્ર અને દિલ્હી સરકારે રદ કરેલી પરીક્ષા અંગે યુજીસીએ સુપ્રીમ કોર્ટમાં વાંધો ઉઠાવ્યો છે. આ બાબતે હવે 14મી ઓગસ્ટ સુનાવણી થશે. 
Published on: Wed, 12 Aug 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer