સુશાંત કેસમાં મારી કારણ વગરની બદનામી થઈ રહી છે : સૂરજ પંચોલી

સુશાંત કેસમાં મારી કારણ વગરની બદનામી થઈ રહી છે : સૂરજ પંચોલી
મુંબઇ, 11 ઓગસ્ટ (પીટીઆઈ) : અભિનેતા સુશાંત સિંહ રાજપૂત મૃત્યુના કેસમાં પોતાની કારણ વગરની બદનામી થઇ રહ્યાંની ફરિયાદ અભિનેતા સૂરજ પંચોલીએ મુંબઈ પોલીસ સમક્ષ નોંધાવી છે, એમ એક અધિકારીએ આજે જણાવ્યું હતું. સોમવારે રાત્રે વર્સોવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં પંચોલીએ જણાવ્યું હતું કે ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ સહિતના વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સુશાંત મૃત્યુ કેસમાં તેનું નામ જોડીને બદનામી કરવામાં આવી રહી છે. 
વર્સોવા પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર રાઘવેન્દ્ર ઠાકુરે જણાવ્યું હતું કે, અમને સૂરજ પંચોલી તરફથી અરજી મળી છે અને તપાસ ચાલુ છે. જો કે હજી સુધી આ ફરિયાદના પગલે કોઈ ગુનો નોંધવામાં આવ્યો નથી. 
તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ સંદેશાઓમાં પંચોલીનું નામ રાજપૂત અને તેની પૂર્વ મેનેજર દિશા સાલિયનના મોત સાથે જોડવામાં આવી રહ્યું છે. પંચોલીની માતા ઝરીના વહાબે અગાઉ આવી અફવાઓને નકારી હતી.  
મુંબઈ પોલીસે અત્યાર સુધીમાં રાજપૂતની બહેનો, તેની મિત્ર અને અભિનેત્રી રિયા ચક્રવર્તી તેમ જ કેટલીક ફિલ્મી હસ્તીઓ સહિત 50 થી વધુ લોકોનાં નિવેદનો નોંધ્યા છે. રાજપૂતના પિતા કે કે સિંહે 25 જુલાઇએ ચક્રવર્તી અને તેના પરિવારના સભ્યો વિરુદ્ધ બિહારમાં પટના પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. સીબીઆઈએ ગયા અઠવાડિયે એફઆઈઆર નોંધી હતી. સિંહે તેમના અભિનેતા પુત્રના બેંક ખાતાઓમાં આર્થિક ગોટાળા કરાયાનો આક્ષેપ પણ કર્યો હતો. 
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે રિયા ચક્રવર્તી, રાજપૂતના મિત્ર અને રૂમમાં સાથી સિદ્ધાર્થ પિઠાની, બિઝનેસ મેનેજર શ્રુતિ મોદી અને કેટલાક અન્ય લોકોની મની લોન્ડારિંગના કેસમાં પૂછપરછ કરી છે.
Published on: Wed, 12 Aug 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer