મરાઠા મોરચાની આંદોલનની ચેતવણી

મરાઠા મોરચાની આંદોલનની ચેતવણી
ઔરંગાબાદ, તા. 11 (પીટીઆઈ) : મહારાષ્ટ્ર સરકાર મરાઠા આંદોલન દરમિયાન મૃત્યુ પામેલાઓના પરિવારોને 10 લાખ રૂપિયાનું વળતર ચૂકવે અને તેમના પરિવારમાંથી એકને નોકરી પણ આપે, એવી માગણી મરાઠા ક્રાંતિ ઠોક મોરચા (એમકેટીએમ) તરફથી આજે કરવામાં આવી હતી અને એક અઠવાડિયામાં માગણીઓ નહીં સ્વીકારાય તો આંદોલનની ચેતવણી પણ આપી હતી.  
જો માગણીઓ પર ધ્યાન આપવામાં નહીં આવે તો મરાઠાઓ મુંબઇમાં આંદોલન કરશે, એમ સંગઠનના સંયોજક રમેશ કેરે પાટિલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે મરાઠા સમુદાયને ન્યાય અપાવવાના આંદોલનમાં જે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તેમના પરિવારની એક વ્યક્તિને સરકારી નોકરી મળવી જોઈએ અને આવા દરેક કુટુંબને રૂ. 10 લાખનું વળતર મળવું જોઈએ. 
પાટિલે કહ્યું કે, મુંબઈના આઝાદ મેદાનમાં 2018 માં મરાઠા સમુદાયના આંદોલનમાં ભાગ લીધો હતો તેમને સરકારી નોકરીમાં સમાવવા જોઈએ. છેલ્લા કેટલાક વર્ષોમાં, આ મોરચાના વડપણ હેઠળ મરાઠા સંગઠનોએ વિવિધ માગણીઓ માટે શ્રેણીબદ્ધ આંદોલન કર્યા હતા, જેમાં નોકરીમાં અને શિક્ષણમાં અનામત સહિતની માગણીઓ કરાઇ છે. 
Published on: Wed, 12 Aug 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer