કાંદાના ભાવમાં જંગી કડાકો

કાંદાના ભાવમાં જંગી કડાકો
જથ્થાબંધમાં એક રૂપિયે કિલો, રિટેલમાં હજી પણ રૂા. 20
નવી મુંબઈ, તા. 11 : લોકડાઉન પહેલાં કાંદાના ભાવ લોકોની આંખમાં પાણી લાવ્યા હતા. પરંતુ હવે તેના ભાવમાં જબ્બરજસ્ત કડાકો બોલાયો છે અને અહીંની જથ્થાબંધ કાંદા બજારમાં તેના ભાવ પ્રતિ કિલો એકથી ચાર રૂપિયા સુધી નીચે ઉતરી ગયા છે. આમ છતાં વપરાશકારોને રિટેલમાં હજી પણ પ્રતિ કિલો 20થી 30 રૂપિયા ભાવે કાંદા ખરીદવા પડે છે.
ઓછી માગ, પર્યાપ્ત પ્રમાણમાં ઉનાળુ પાકની આવકો અને રાજ્યમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થતાં કાંદાના જથ્થાબંધ ભાવ ગગડી ગયા છે. વાશીની બજારમાં નાના કદનાં કાંદાના ભાવ પ્રતિ કિલો એકથી ચાર રૂપિયા, મધ્યમ કદના કાંદાના ભાવ રૂા. 5થી 7 અને મોટા કાંદાના ભાવ 8થી 10 રૂપિયા જેટલા નીચે ઉતરી ગયા છે.
આમ છતાં શહેરના રિટેલરો ભાવ ઘટાડીને સામાન્ય વપરાશકારોને નથી આપી રહ્યા. રિટેલમાં હજી પણ કાંદા 20થી 30 રૂપિયા કિલો ગુણવતા અને સાઈઝ પ્રમાણે વેંચાઈ રહ્યા છે.
વેપારીઓએ કહ્યું હતું કે અમે સ્ટોકનો સંઘરી શકીએ નહીં કારણ કે  એકતો તે નાશવંત ચીજ છે અને વરસાદમાં વધુ નુકસાન થઈ શકે છે.
આ વર્ષે કાંદાનો ઉનાળુ પાક બમાર થયો છે અને વરસાદને કારણે વેચવાલી વધારે હોવાથી ભાવમાં જંગી ઘટાડો થયો છે, એમ વર્તુળોએ જણાવ્યું હતું.
Published on: Wed, 12 Aug 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer