રાજકીય સન્માન સાથે જાંબાઝ પાયલટ દીપક સાઠેના અંતિમ સંસ્કાર

રાજકીય સન્માન સાથે જાંબાઝ પાયલટ દીપક સાઠેના અંતિમ સંસ્કાર
મુંબઈ, તા. 11 (પીટીઆઈ) : કેરળમાં ગયા અઠવાડિયે અકસ્માતગ્રસ્ત થયેલા એર ઇન્ડિયા એક્સપ્રેસ વિમાનના પાયલટ-ઇન-કમાન્ડ (નિવૃત્ત) વિંગ કમાન્ડર દીપક સાઠેના આજે મુંબઈમાં રાજ્ય સ્તરિય રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાયા હતા. 
ચાંદિવલીમાં તેમના નિવાસસ્થાનેથી અંતિમ યાત્રા વિક્રોલી ટાગોરનગર સ્મશાન સુધી નીકળી હતી જેમાં રસ્તામાં સેંકડો લોકોએ તેમને માનભેર વિદાય આપી હતી. મહારાષ્ટ્ર સરકારે સાઠેના રાજ્ય સ્તરિય રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કારનો નિર્ણય કર્યો હતો અને જણાવાયું હતું કે તેમનું જીવન યુવાન પાયલટ્સને પ્રેરણા આપતું રહેશે. 
શુક્રવારે ભારે વરસાદ વચ્ચે કેરલના કોઝિકોડ એરપોર્ટ પર લેન્ડિગ દરમિયાન છ સભ્યોનાં ક્રૂ સહિત 180 પ્રવાસીઓ સાથેની દુબઇથી આવેલી વંદે ભારત ફ્લાઇટ ક્રેશ થતાં બંને પાઇલટ્સ સહિત 18 વ્યક્તિના મોત નીપજ્યાં હતાં. રવિવારે સાઠેનો મૃતદેહ મુંબઈ લવાયો હતો અને બાંદરાની ભાભા હોસ્પિટલમાં લઈ જતાં પહેલાં થોડા સમય માટે છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય વિમાનમથકના ટર્મિનલ 2 નજીક દર્શનાર્થે રાખવામાં આવ્યો હતો. 
આજે સવારે મૃતદેહને હોસ્પિટલથી ચાંદિવલીમાં તેમના ઘરે લાવવામાં આવ્યો હતો જ્યાં સ્થાનિક રહેવાસીઓએ તેમને શ્રદ્ધાંજાલિ આપી હતી. અંતિમ યાત્રા દરમિયાન રસ્તામાં લોકો પોતાની બાલ્કનીઓમાંથી વંદન કરતા જોવા મળ્યા હતા. નાગપુરમાં રહેતા સાઠેના 87 વર્ષના પિતા (નિવૃત્ત) કર્નલ વસંત સાઠે, અને 83 વર્ષના માતા નીલા સાઠે સોમવારે મુંબઈ આવી ગયા હતા અને નિવાસસ્થાને હાજર હતા. સાઠેનો યુએસ સ્થિત મોટો પુત્ર શાંતનુ પણ અંતિમ સંસ્કાર માટે સોમવારે મુંબઇ પહોંચ્યો હતો. બપોર પછી સ્મશાનગૃહમાં અંતિમ વિધિ કરવામાં આવી હતી. શાંતનું માતા સુષ્મા અને નાના ભાઈ ધનંજય સાથે શોકમાં હતા.
Published on: Wed, 12 Aug 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer