મુંબઈમાં કુલ દર્દીનો આંકડો સવા લાખને પાર, મરણાંક 7000 નજીક

મુંબઈમાં કુલ દર્દીનો આંકડો સવા લાખને પાર, મરણાંક 7000 નજીક
અમારા પ્રતિનિધિ તરફથી  
મુંબઈ, તા. 11 : મુંબઈમાં કોરોના કાબુમાં આવતો જાય છે. નવા દર્દીની સંખ્યા કરતાં સાજા થનાર દર્દીની સંખ્યા (1154) વધારે છે. મુંબઈમાં સરાસરી વૃદ્ધિદર એક ટકા (0.79)થી પણ નીચે ઊતરી ગયો છે. કોરોના મુંબઈમાં નિયંત્રણમાં આવી રહ્યો છે એનો બીજો સંકેત ડબલિંગ રેટ છે. આજે ડબલિંગ રેટ 88 દિવસ થયો છે.
આજે શહેરમાં કોરોનાના 917 નવા દર્દી મળ્યા હતા. આજે 48 મરણ નોંધાયાં હતાં. કુલ દર્દીની સંખ્યા 1,25,239 થઈ હતી. મહાનગરમાં કોરોનાએ કુલ 6,890 લોકોનો ભોગ લીધો છે. મૃતકોમાં 33 દર્દીને કોરોના ઉપરાંત બીજી બીમારી પણ હતી. 25 જણની વય 60ની ઉપર હતી. 20 દર્દી 40થી 60 વષર્ની વચ્ચેના હતા. ત્રણ મૃતકોની વય 40 વર્ષથી નીચે હતી. મૃતકોમાં 37 પુરુષ અને 11 દર્દી મહિલા હતા.
આજે 1154 દર્દી સાજા થતા તેમને ઘરે જવાની રજા અપાઈ હતી. કુલ 99,147 દર્દી સાજા થયા છે. મુંબઈમાં રીકવરી રેટ 79 ટકા થયો છે. 4 અૉગસ્ટથી 10 અૉગસ્ટનો વૃદ્ધિદર 0.79 ટકાનો છે. મુંબઈમાં ડબાલિંગ રેટ 88 દિવસનો છે. મુંબઈમાં 18,905 સક્રિય દર્દી છે. મુંબઈમાં 6,13,745 ટેસ્ટ કરાઈ છે અને આમાંથી 1,25,239 લોકોની ટેસ્ટ પૉઝિટિવ આવી છે.  
રાજ્યમાં કોરોનાની કટોકટી ઘેરી બનતી જાય છે. આજે 11,088 દર્દી મળ્યા હતા. જોકે, આ સાથે આજે ચોવીસ કલાકમાં 10,014 દર્દીને રજા અપાઈ હતી. આજે રાજ્યમાં કોરોનાને લીધે 256 દર્દીના મૃત્યુ નોંધાયા હતા. મરણાંક 18,306 થયો છે. રાજ્યમાં મૃત્યુદર 3.42 ટકા થયો છે. રાજ્યમાં 1,48,553 સક્રિય દર્દી છે. કુલ 3,68,435 દર્દીને રજા અપાઈ છે. રીકવરી રેટ 68.79 ટકા છે. રાજ્યમાં કુલ 5,35,601 દર્દી નોંધાયા છે. 
આજે થાણે 8, કલ્યાણ-ડોંબીવલી 7, મીરા-ભાઈંદર મહાનગરપાલિકા 3 અને નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 8 મરણ નોંધાયા હતા. રાજ્યમાં 28,37,578 ટેસ્ટ કરાઈ છે અને આમાંથી 5,35,601 ટેસ્ટના પરિણામ પૉઝિટિવ આવ્યા છે. પૉઝિટિવિટી રેટ 18.87 ટકા છે.
Published on: Wed, 12 Aug 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer