રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સંજય દત્તને મળવા ગયા

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સંજય દત્તને મળવા ગયા
અભિનેતા સંજય દત્તના જીવન પરથી બનેલી ફિલ્મ સંજુમાં મુખ્ય ભૂમિકા ભજવનાર રણબીર કપૂર સંજયની નિકટનો મિત્ર બની ગયો છે. આથી જ જયારે તેને જાણ થઇ કે સંજયને કેન્સર થયું છે ત્યારે તે ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ સાથે તેને મળવા પહોંચી ગયો હતો. સંજયની બીમારીના સમાચાર આવ્યા ત્યાર બાદ ફિલ્મોદ્યોગમાંથી તેને મળવા જનાર સૌ પ્રથમ રણબીર અને આલિયા છે. રણબીર અને સંજય વચ્ચે નિકટતા છે તે ઉપરાંત વિદેશમાં કેન્સરની સારવાર બાબતે તે અનુભવ પણ ધરાવે છે કેમ કે તેના પિતા રિષી કપૂરને કેન્સર હતું અને આની સારવાર માટે રિષી એક વર્ષ જેટલો સમય અમેરિકામાં હતો. તે સમયે રણબીર પણ પિતાની સાથે થોડો વખત ત્યાં રહ્યો હતો. 
રણબીર અને આલિયાએ સંજય સાથે શું વાતચીત કરી તેની માહિતી મળી નથી પરંતુ આ યુગલ સંજયના મકાનમાંથી બહાર નીકળતું જોવા મળ્યું હતું. હાલમાં સંજય પોતાના ઘરે એકલો જ છે. તેની પત્ની માન્યતા અને સંતાનો લૉકડાઉનને લીધે દુબઇમાં અટવાઇ ગયા છે. 
પોતાને ચોથા સ્ટેજનું ફેફસાંનું કેન્સર હોવાની જાણ થયા બાદ સંજયે સોશિયલ મિડિયામાં સંદેશ મૂકયો હતો કે હું થોડા સમય માટે રુટિન કામકાજમાંથી બ્રેક લઉં છું અને તમારી શુભેચ્છાઓ સાથે હોવાથી સાજો થઇને પાછો આવીશ. 
Published on: Sat, 15 Aug 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer