આઈપીએલ : બ્રૉડકાસ્ટર માલામાલ થશે

આઈપીએલ : બ્રૉડકાસ્ટર માલામાલ થશે
જાહેરાતની કમાણી વધશે: 10 સેકન્ડનો ભાવ 10 લાખ
નવી દિલ્હી, તા.14: કોરોના મહામારીને લીધે આ વખતે દુનિયાની સૌથી લોકપ્રિય ટી-20 લીગ યૂએઇમાં ખાલી સ્ટેડિયમમાં આયોજીત થવાની છે. આઇપીએલની 13મી સિઝન 19 સપ્ટેમ્બરે શરૂ થશે અને ફાઇનલ મુકાબલો 10 નવેમ્બરે રમાશે. જે માટે સત્તાવાર બ્રોડકાસ્ટર સ્ટાર સ્પોર્ટસે આ વખતે જાહેરાતના ભાવ વધારી દીધા છે. રિપોર્ટ અનુસાર સ્ટાર સ્પોર્ટસ ચેનલે આઇપીએલના મેચ દરમિયાન 10 સેકન્ડની જાહેરાતનો ભાવ 8થી 10 લાખનો ફાઇનલ કર્યોં છે. ગયા વર્ષે આ સ્પોર્ટસ ચેનલને જાહેરાતના માધ્યમથી 3 હજાર કરોડની રકમ મળી હતી. આ વર્ષે આ રકમ એથી પણ વધુ હશે તેવો ચેનલને વિશ્વાસ છે. 
આ ઉપરાંત આઇપીએલની વ્યૂઅરશિપ પણ રેકોર્ડબ્રેક હશે.
આઇપીએલ ભારતીય ક્રિકેટની વાપસીની શરૂઆત છે. આથી ટીવી પર દર્શકોની સંખ્યા ઘણી વધશે તેવું અનુમાન થઇ રહ્યંy છે. સ્ટેડિયમ પણ ખાલી હશે. આથી ફકત ટીવી કે ઇન્ટરનેટ પર જ મેચ નિહાળી શકાશે. ઘણા સમયથી લોકો કોઇ રોમાંચક અને મનોરંજક કાર્યક્રમથી દૂર છે. આથી આઇપીએલ બમ્પર હિટ સાબિત થશે તેવું બજાર નિષ્ણાતોનું માનવું છે.
સ્ટાર સ્પોર્ટસે વર્લ્ડ કપના ભારત-પાકિસ્તાન વચ્ચેના મેચ વખતે 10 સેકન્ડની જાહેરાતના ભાવ 25 લાખ આસપાસ રાખ્યા હતા. આઇપીએલના પ્લેઓફના મુકાબલા વખતે પણ આવા જ ભાવ જોવા મળે તો નવાઇ નહીં.
Published on: Sat, 15 Aug 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer