સોનામાં જુલાઇ પછી પ્રથમ અઠવાડિક ઘટાડો

અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 14 : અમેરિકી ટ્રેઝરીમાં તેજી તથા ડોલરના મૂલ્યમાં મજબૂતી દેખાતા સોનાનો ભાવ તીવ્ર વધઘટને અંતે ફરી નરમ પડ્યો હતો. જુલાઇના આરંભથી સોનામાં સતત તેજી ચાલી રહી હતી ત્યાર પછી પ્રથમ વખત અઠવાડિક ઘટાડો સોનામાં જોવા મળ્યો છે. ન્યૂયોર્કમાં આ લખાય છે ત્યારે 1945 ડોલરનો ભાવ રનીંગ હતો. ઇન્ટ્રા ડેમાં સોનું 1960 ડોલર સુધી વધ્યું હતુ. ગઇકાલે 1922 ડોલર સુધીનો નીચો ભાવ જોવા મળ્યો હતો.  
ઘરેલુ બજારમાં વધઘટ પાંખી હતી. રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ રુ. 400ના ઘટાડામાં રુ. 54000 અને મુંબઇમાં રુ. 173 વધીને રુ. 52874 હતો. ન્યૂયોર્કમાં ચાંદીનો ભાવ 26.68 ડોલર હતો. રાજકોટમાં એક કિલોનો ભાવ રુ. 300 ઘટીને રુ. 66000 હતો. મુંબઇમાં રુ. 329 વધીને રુ. 67768 હતો. 
ગયા શુક્રવારે ન્યૂયોર્કમાં સોનાનો ભાવ 2072 ડોલર સુધી વધ્યા પછી ચાલુ સપ્તાહમાં 4 ટકા તૂટ્યો છે. બજાર ઓવરબોટ સ્થિતિમાં હતી એ કારણે નફારુપી વેચવાલી નીકળી છે. જોકે ભારે તેજી પછી કરેક્શન જરુરી હતું એ ઘટાડો અત્યારે જોવા મળ્યો હોવાનું અભ્યાસુઓ કહે છે. 
અમેરિકામાં 10 વર્ષના ટ્રેઝરી યીલ્ડ 24 જૂન પછીના ટોચના સ્તરે હતા એ કારણે પણ સોનાના ભાવ ઉપર દબાણ હતુ. ચીન અને યુરોઝોનના આર્થિક વિકાસના આંકડાઓ નબળા આવ્યા છે છતાં બજારે આ કારણને અવગણીને ઘટાડો નોંધાવ્યો હતો.  શુક્રવારે મોડેથી અમેરિકાના રિટેલ વેચાણના આંકડાઓની જાહેરાત થવાની હતી. એના પર સૌની નજર હતી. આવતીકાલે અમેરિકા અને ચીન વચ્ચેના બગડેલા સંબંધો વચ્ચે વેપારયુધ્ધની વાતચીતો થવાની હતી. એ ઉપરાંત અમેરિકાના ઉદ્દીપક પેકેજની પણ જાહેરાત થાય તેવી શક્યતા દર્શાવાતી હતી. 
અમેરિકામાં હવે ચૂંટણી પૂર્વે કોઇ ઉદ્દીપક પેકેજ જાહેર થશે કે કેમ તે વિશે શંકા પણ દર્શાવાઇ રહી હતી.
Published on: Sat, 15 Aug 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer