એજીઆર સુનાવણી પહેલા સેન્સેક્સમાં 433 પોઈન્ટ્સનો ઘટાડો

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 14 : સુપ્રિમ કોર્ટમાં એડજેસ્ટેડ ગ્રોસ રેવેન્યુ (એજીઆર) કેસની સુનાવણી પહેલા ફાઈનાન્સિયલ શૅર્સમાં વેચવાલીના પગલે શુક્રવારે સ્થાનિક શૅરબજારોમાં એક ટકાનો ઘટાડો થયો હતો. વધુમાં ચીનના આર્થિક આંકડા નબળા આવતા તેમ જ અમેરિકાની નાણાકીય નીતિ બાબતે ગૂંચવણ હોવાથી વૈશ્વિક પરિબળો પણ નબળા જણાતા રોકાણકારોનું સેન્ટિમેન્ટ ખોરવાયુ હતું. 
સેન્સેક્સ 433 પોઈન્ટ્સ (1.13 ટકા) ઘટીને 37,877ના સ્તરે બંધ રહ્યો હતો. એચડીએફસી બૅન્ક, આઈસીઆઈસીઆઈ બૅન્ક, એક્સિસ બૅન્ક અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શૅર્સમાં ઘટાડો નોંધાયો હતો. એનએસઈનો નિફ્ટી 122 પોઈન્ટ્સ (1.08 ટકા) ઘટીને 11,178ના સ્તરે બંધ રહ્યો હતો. 
સાપ્તાહિક ધોરણે સેન્સેક્સ 0.4 ટકા અને નિફ્ટી 0.3 ટકા ઘટ્યો હતો. 
વ્યાપક બજારમાં એસએન્ડપી બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ 1 ટકાથી પણ વધુ ઘટીને 14,434ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે એસએન્ડપી બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 0.6 ટકા ઘટીને 13,855.18ના સ્તરે બંધ રહ્યો હતો. 
ક્ષેત્રવાર સૂચકાંકોમાં નિફ્ટી ઓટો 2.56 ટકા અને નિફ્ટી બૅન્ક બે ટકાથી પણ વધુ ઘટ્યો હતો. 
વૈશ્વિક બજારો 
ચીનના મંદ આર્થિક આંકડા તેમ જ અમેરિકાના નાણાકીય પગલાને લીધે રોકાણકારોનો ઉત્સાહ ઘટતા વૈશ્વિક શૅરબજારો શુક્રવારે ઘટ્યા હતા. બ્રિટને તેમની ક્વોરેન્ટિન યાદીમાં યુરોપના વધુ દેશોને ઉમેરતા યુરોપિયન શૅર્સમાં પણ ઘટાડો નોંધાયો હતો. 
જપાન બહારનો એમએસસીઆઈનો બ્રોડેસ્ટ ઈન્ડેક્સ એશિયા-પેસિફિક શૅર્સ 0.1 ટકા ઘટ્યો હતો, જ્યારે જપાનના શૅર્સ 0.2 ટકા વધ્યા હતા. ચીનના શૅર્સમાં તોફાની વઘધટ થયા બાદ 1.5 ટકા વધારે ટ્રેડ થઈ રહ્યા હતા. એસએન્ડપી 500ના ઈ-મીની ફ્યૂચર્સ ફ્લેટ રહ્યા હતા.
Published on: Sat, 15 Aug 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer