દાણચોરીને ડામવા માટે દસ ગ્રામથી વધુ વજનનાં સોનાનું વહન કરવા માટે ઇ વે બિલની દરખાસ્ત

નવી દિલ્હી, તા. 14 : સોનાના ભાવમા આગઝરતી તેજી અને જીએસટી કલેક્શનમાં થઇ રહેલા ઘટાડાના કારણે સરકાર સોનાના ટ્રાન્સપોર્ટ માટે ઈ વે બિલ લાવવાની દરખાસ્ત ઉપર ગંભીરતાથી વિચારી રહી છે. 
જે આ દરખાસ્ત મંજૂર થાય તો 10 ગ્રામ કરતાં વધારે સોનાના ટ્રાન્સપોર્ટેશન માટે ઇ વે બિલ બનાવવું ફરજિયાત બનશે. અત્યારે રૂ. 50,000ના મૂલ્ય કરતાં વધારેના માલને અન્ય પ્રાંત અથવા રાજયમાં મોકલવા માટે ઇ વે બિલ ફરજિયાત છે. તેમાં સોના-ચાંદી જેવી કીમતી ધાતુને અત્યારે બાકાત રાખવામાં આવી છે. 
સોનાની વધતી દાણચોરી અને કરચોરી ડામવા માટે ઇ વે બિલનો અમલ કરવાની માગણી કેરળે કરી છે અને હરિયાણાએ તેને ટેકો આપ્યો છે. જોકે, ગુજરાત રાજ્યએ સુરક્ષાના મુદે્ તેનો વિરોધ કર્યો છે તો 
બિહારે જણાવ્યું છે કે સોનાની હેરફેર માટે ઇ વે બિલનો ઉપયોગ મુશ્કેલ અને અવ્યવહારૂ છે. 
આ સંદર્ભે કેરળના નાણાં પ્રધાન થોમસ ઇસાકે તેમના નેજા હેઠળના પ્રધાનોના જૂથ સમક્ષ આ દરખાસ્ત આવતી કાલે -  શુક્રવારે રજૂ કરવાનો નિર્ણય લીધો છે. સોનાની હેરફેરમાં સુરક્ષાના પ્રશ્નને ધ્યાનમાં રાખી ઇ વે બિલનું ઇક્રીપ્ટેડ સ્વરૂપ તૈયાર કરવાની વિચારણા પણ થઇ રહી છે.  પ્રધાનોનું જૂથ આવતી કાલે આ દરખાસ્તને આગળ વધારવા પ્રતિબદ્ધ છે જેથી સોનામાં દાણચોરી અને જીએસટી કરચોરીને ડામી શકાય, એમ સુત્રોએ જણાવ્યું છે. 
કેરળે તો ઇ વે બિલ માટે વિશેષ આગ્રહ કરતાં જણાવ્યું છે કે આખા દેશમાં સોનાની હેરફેર માટે ઇ વે બિલ લાગુ થાય નહીં તો માત્ર કેરળ માટે ગોલ્ડ ઇ વે બિલ લાગુ કરવામાં આવે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
Published on: Sat, 15 Aug 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer