પિતાની સંપત્તિમાં પુત્રીઓને સમાન હક આપવાના ચુકાદાથી ધંધાકીય વિવાદ વધશે

મુંબઈ, તા. 14 : હિન્દુ અવિભાજ્ય પરિવારની મિલકતમાં દીકરીઓને સમાન વારસા હક્ક મળ્યો હોવાનો સુપ્રીમ કોર્ટે નવેસરથી ચુકાદો આપતાં ઔદ્યોગિક અને વેપારી સામ્રાજ્ય ધરાવતા પરિવારમાં વિવાદો નિર્માણ થવાની અને તેને પગલે અદાલતોમાં કેસિસ વધવાની શક્યતા છે.
સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ અરુણ મિશ્રાની ડિવિઝન બેન્ચે તાજેતરમાં આપેલા ચુકાદામાં સ્પષ્ટ કર્યું હતું કે 1956ના હિન્દુ વારસા ધારામાં નવી મૂકાયેલી કલમ છની જોગવાઈઓ આ સુધારા અગાઉ અથવા તે પછી જન્મેલી પુત્રીઓને પણ પુત્રો જેટલા જ સમાન વારસા હક લાગુ પડે છે. 
સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી મોટા પરિવારોમાં પારિવારિક વિવાદ અને સંઘર્ષ વધી જવાની શક્યતા છે કારણ કે હવે દીકરીઓ પણ પિતાની સંપત્તિમાં વારસાહક માગશે, એમ ઈક્વેશન ઍડ્વાઈઝરના ડિરેક્ટર મીતા દીક્ષિત જણાવે છે.
આ પ્રકારના વિવાદનો ઉકેલ લાવવા માટે બિઝનેસને પ્રોફેશનલ સ્વરૂપ આપવાની સાથે તેની માલિકીને મૅનેજમેન્ટથી અલગ કરવા જરૂરી બનશે, એમ દીક્ષિતે ઉમેર્યું હતું.
પરંપરાગતરીતે ભારતીય બિઝનેસ પરિવારોમાં દીકરીઓ કરતાં દીકરાઓને પિતાની સંપત્તિમાં વારસાહક અપાય છે. અનેક બિઝનેસ પરિવારોમાં વેપાર-ઉદ્યોગનું વિભાજન થાય તો પણ તેનું વ્યવસ્થાપન દીકરાઓ સંભાળતા હોય છે, એમ તેમણે જણાવ્યું હતું.
Published on: Sat, 15 Aug 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer