પહેલાં ન્યાયમંદિરના દરવાજા ખૂલશે ધર્મ સ્થાનો ખોલવાનો હાઈકોર્ટનો ઈન્કાર

પહેલાં ન્યાયમંદિરના દરવાજા ખૂલશે ધર્મ સ્થાનો ખોલવાનો હાઈકોર્ટનો ઈન્કાર
મુંબઈ, તા. 14 : મુખ્ય ન્યાયમૂર્તિ : તમારા મતે સૌથી મોટું મંદિર કયું?
અરજદારના વકીલ : માનવતાનું મંદિર.
મુખ્ય ન્યાયમૂર્તિ : તો પછી માનવતા વિષયે થોડા કરુણા દાખવો અને મંદિરો ખોલવાની માગણી હાલ નહીં કરો.
વકીલ : પણ કોરોનાની સ્થિતિ હવે સુધરી છે.
મુખ્ય ન્યાયમૂર્તિ : આ વાત સાથે અમે સંમત નથી. પરિસ્થિતિ જો સુધરશે તો ન્યાયમંદિર (કોર્ટ)ના દરવાજા નાગરિકો માટે સૌ પ્રથમ ખૂલશે.
મુંબઈ હાઈ કોર્ટમાં આજે થયેલી સુનાવણીમાં આ સંવાદ થયો હતો. 15થી 23 અૉગસ્ટ સુધી જૈનોનું મહાપર્વ પર્યુષણ છે. આથી જૈન મંદિર ખોલવા સરકારને આદેશ આપવાની દાદ ચાહતી અરજી `એસોસિયેશન ફોર સેન્ડિંગ જસ્ટિસ'એ કરી હતી. એ સંબંધમાં મુખ્ય ન્યાયમૂર્તિ દીપાંકર દત્તા અને ન્યાયમૂર્તિ સુરેન્દ્ર તાવડેની ડિવિઝન બેન્ચ સમક્ષ વીડિયો કોન્ફરન્સ દ્વારા સુનાવણી કરવામાં આવી હતી.
જૈન મંદિર ખોલવાની દાદ ચાહતી અન્ય એક જાહેર હિતની અરજીની ગુરુવારે પણ સુનાવણી થઈ હતી અને અન્ય બેન્ચે તે અંગેનો આદેશ આપ્યો હતો. બેન્ચે એ અરજી કાઢી નાખી હતી. ફરી તમે પાછી આવી જ વિનંતી કરો છો? એવો સવાલ મુખ્ય ન્યાયમૂર્તિએ કર્યો હતો.
અરજદારના વકીલ એસ. દિપેશે કહ્યું હતું કે કોરોનાની સ્થિતિમાં હવે સુધારો થયો છે. આથી વિશેષ પ્રતિબંધો લાદીને મંદિર માત્ર દર્શન માટે ખોલવાની વિનંતી કરી હતી.
Published on: Sat, 15 Aug 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer