રવિ-સોમવારે પણ મુંબઈ, થાણે અને પાલઘરમાં ભારે વરસાદની આગાહી

રવિ-સોમવારે પણ મુંબઈ, થાણે અને પાલઘરમાં ભારે વરસાદની આગાહી
તાનસા, મોડકસાગર છલકવાની તૈયારીમાં
મુંબઈ, તા. 14 : ભારતીય હવામાન ખાતાએ રવિવાર અને સોમવારે મુંબઈ, થાણે અને પાલઘરમાં `ઓરેન્જ એલર્ટ' સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. સપ્તાહના બાકીના દિવસો માટે  છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની `યલો એલર્ટ' આપી છે. દરમિયાન મુંબઈને પાણી પૂરું પાડતા તાનસા અને મોડકસાગર જળાશયો છલકવાની તૈયારીમાં હોવાથી કેચમેન્ટ વિસ્તારોમાં હાઈ-અલર્ટ જાહેર કરાયો છે.
વેધશાળાની આગાહીના પગલે કલેક્ટર, પાલિકા અને પોલીસ પ્રશાસનને પણ સતર્ક કરાયું છે, અને 75 ગામના લોકોને જરૂરી સાવધાનીઓની સૂચના આપવામાં આવી રહી છે.
હવામાન ખાતાએ જણાવ્યું હતું કે બંગાળના ઉપસાગરની વાયવ્યે ઉત્તર ઓરિસા અને પશ્ચિમ બંગાળ કિનારે હવાના હલકા દબાણનો પટ્ટો સર્જાયો છે અને આગામી બે-ત્રણ દિવસમાં બંગાળના ઉપસાગરની ઉત્તર કિનારે સરકશે, જેના કારણે કોંકણ કિનારે, ઘાટ વિસ્તારો અને મધ્ય મહારાષ્ટ્રમાં વ્યાપક વરસાદ પડશે. હવામાન ખાતાએ મુંબઈ માટે ગુરુવારે યલો એલર્ટ જાહેર કરી હતી પણ હળવો વરસાદ પડયો હતો. સાંતાક્રુઝમાં ચોવીસ કલાકમાં 7.2 મિલિમીટર અને કોલાબામાં 4 મિલિમીટર વરસાદ નોંધાયો હતો.
દરમિયાન ઉપગ્રહ અને  રડારની તસવીરો નિર્દેશ કરે છે કે મુંબઈ અને થાણેમાં વરસાદ ચાલુ રહેશે અને ક્યારેક ભારે ઝાપટાં પણ પડશે, એમ હવામાન ખાતાએ જણાવ્યું હતું.
Published on: Sat, 15 Aug 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer