ધોનીની નવી ઈનિંગ્સનો આરંભ

ધોનીની નવી ઈનિંગ્સનો આરંભ
19મીએ ધોની જ્યારે મેદાનમાં ઉતરશે ત્યારે તેની આગળ ટીમ ઇન્ડિયાના પૂર્વ ખેલાડીનું લેબલ હશે
નવી દિલ્હી, તા.16: વિશ્વ ક્રિકેટના નંબર વન ફિનિશર ગણાતા વિકેટકીપર-બેટ્સમેન મહેન્દ્રસિંહ ધોની 19 સપ્ટેમ્બરે જ્યારે ચેન્નાઇ સુપર કિંગ્સ માટે મેદાનમાં ઉતરશે તો તેના નામ આગળ પૂર્વ ભારતીય ક્રિકેટરનું લેબલ લાગેલું હશે. પાછલા મહિને ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહેનાર ધોની તેની લાંબી કારકિર્દીના હવે નવા અધ્યાયની શરૂઆત કરશે. આઇપીએલ દરમિયાન હવે ધોનીના ટીમ ઇન્ડિયાના ભવિષ્ય પર ચર્ચા થશે નહીં. હવે ફક્ત ધોનીની ચાલ કેવી છે, ફિટનેસ કેવી છે અને ફોર્મ કેવું છે તેની જ ચર્ચા થશે. 
ધોની એક મહાન પરંપરા સ્થાપિત કરી ચૂક્યો છે. તેની પાસે હવે ગુમાવવાનું કાંઇ નથી. આથી એવું લાગી રહ્યંy છે કે તે આઇપીએલમાં પૂરી રીતે ખુલીને રમશે. તેની બેટિંગમાં વધુ બિન્દાસપણું નજરે પડશે. જો ધોની એવું આક્રમક બેટિંગ કરશે તો ચાહકોને જૂના માહીના દર્શન થશે. હેલિકોપ્ટર શોટ જોવા મળશે.
ધોનીએ ગત જુલાઇમાં વર્લ્ડ કપનો આખરી મેચ રમ્યા પછી કોઇ પ્રતિસ્પર્ધી મેચ રમ્યો નથી. હાલ એવા રિપોર્ટ છે કે ચેન્નાઇ સુપર કિંગ્સની નેટમાં તે શાનદાર ટચમાં બેટિંગ કરી રહ્યો છે. જો કે મેદાન પર ધોનીનો દેખાવ કેવો રહે છે તે જોવું દિલચશ્પ બની રહેશે. કેપ્ટન તરીકે પણ ધોની માટે આ સિઝન ચુનૌતિપૂર્ણ બની રહેશે. રૈના અને ભજ્જીના હટી જવા ઉપરાંત ક્વોરન્ટાઇન સમય વધવાથી ટીમને પ્રેકટીસનો વધુ મોકો મળ્યો નથી. સીએસકે ટીમમાં ધોની જેવા બીજા અનેક ખેલાડી એવા છે જેની ઉંમર 3પની ઉપર છે. ધોનીનું લક્ષ્ય સીએસકેને ચોથીવાર ચેમ્પિયન બનાવવાનું છે.
Published on: Thu, 17 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer