અફીણની ખેતી ઉપર નિયંત્રણો મુકવા ગંભીર વિચારણા

ખેડૂતોના હિતોની સુરક્ષા થશે
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 16 : ડ્રગ્સના ગેરકાયદે ઉત્પાદનમાં જેનો બહોળો વપરાશ છે તેવા અફીણનો વેચાયા વિનાનો મોટો સ્ટોક દેશમાં એકઠો થયો હોવાથી સરકાર દ્વારા પટ્ટા ઉપર ખેતી કરવા માટે આપવામાં આવતા લાઈસન્સમાં કાપ મુકવામાં આવે તેવી શક્યતા છે. 
કોરોના સંક્રમણને કારણે માર્ચના અંતથી દેશવ્યાપી લોકડાઉન આવી જતા સરકાર પાસે મોટી માત્રામાં અફીણનો સ્ટોક જમા થયો છે. સૂત્રોના જણાવવા પ્રમાણે આ સ્ટોક આશરે ત્રણ વર્ષની જરૂરિયાત પૂરતો છે. તેથી અફીણની આડપેદાશ ખસખસના ભાવને ટકાવી રાખવા માટે સરકાર અફીણનો પાક લેવા ઉપર અંકુશો મૂકે તેવી શક્યતા છે. દેશમાં ખસખસનો પૂરતો માલ હોવાથી આગામી એપ્રિલ પહેલાં તેની આયાત થવાની શક્યતા સૂત્રોએ નકારી કાઢી હતી. 
નાર્કોટિક ડ્રગ્સ ઍન્ડ સાઈકોટ્રોપિક સબસ્ટન્સીસ ઍક્ટની જોગવાઈઓ હેઠળ ખેડૂતોએ અફીણનો પાક સરકારને વેચી નાખવો પડે છે. પરંતુ આ વર્ષે લોકડાઉનને લીધે અફીણનો પાક ખેડૂતોના ઘર-ગોડાઉનમાં પડી રહ્યો હોવાથી તેની ગુણવત્તા ઘટતી જશે અને તેનું વજન પણ ઓછું થતું જશે, એમ મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ખેડૂતોનું કહેવું છે. પાક પડ્યો પડ્યો સુકાઈ જાય તો ખેડૂતને નવા પાક માટે લાઈસન્સ મળતું નથી, તે વાતે ખેડૂતો ચિંતિત છે. મધ્યપ્રદેશમાં અફીણની નવમાંથી બે જ ફેકટરીઓ કાર્યરત છે. મધ્યપ્રદેશના મંદસૌરના ખસખસના એક ખેડૂત મનોહરલાલનું કહેવું છે કે, લોકડાઉનને લીધે ખસખસનો પાક ઘરમાં સુકાઈ રહ્યો છે અને તેનું વજન ઘટી રહ્યું છે. 
ખેડૂત સંગઠનોની માંગણી છે કે, અફીણનો નવો પાક લેવા ઉપર અંકુશો આવે તો જ તેમની પાસેની ખસખસનો માલબોજ હળવો થઈ શકે. દેશમાં ખસખસની કુલ વાર્ષિક ખપત 27000 ટનની રહી છે, જયારે તેનું સ્થાનિક ઉત્પાદન 2700 ટનનું છે. બાકીની માગ આયાત દ્વારા પુરી કરાય છે. દરમિયાન, હોલસેલ બજારમાં ખસખસમાં સતત ભાવ વધારો થઈ રહ્યો છે. આ વર્ષે માર્ચમાં જે  ભાવ (કરવેરા સિવાય) એક કિલોદીઠ રૂા. 800-850 હતા તે જુલાઈ મધ્યમાં વધીને રૂા. 950 થયાં હતા. અૉગસ્ટની મધ્યમાં તહેવારોની માગ નીકળતા ભાવ રૂા. 1175 થઈ અત્યારે રૂા. 1200 જેવા બોલાય છે. ભાવ હજી વધવાની સંભાવના વેપારીઓ અને ખેડૂતો જોઈ રહ્યા છે. વેપારીઓ તો અગાઉ દિવાળી અગાઉ ભાવ રૂા. 1250 થવાની શક્યતા દર્શાવતા હતા. હવે તેથી પણ ઊંચા ભાવ જોવા મળી શકે છે. તહેવારો નિમિત્તે ખસખસની માગ શરૂ થઈ છે. 
અફીણની ખેતીની નીતિ અનુસાર અફીણની હેકટર દીઠ ઉપજ ઓછી હોય તો ખેડૂતોનો વાવેતર માટે મંજૂરી મળતી નથી. સરકારની નીતિ  પૉલિસીમાં જણાવ્યા મુજબ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં હેકટર દીઠ 53 કિ.ગ્રા. અને ઉત્તર પ્રદેશમાં હેકટર દીઠ 45 કિ.ગ્રા. પાક મેળવી શકે તેવા ખેડૂતોને જ અફીણનો પાક લેવાની પરવાનગી અપાય છે.
Published on: Thu, 17 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer