વૈશ્વિક સોનું મક્કમ, સ્થાનિકમાં ઘટાડો

અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 16 : ડોલરમાં નબળાઇ રહેવાને લીધે સોનાનો ભાવ મક્કમ હતો. રોકાણકારો ફેડની નાણા નીતિની બેઠક પૂરી થાય તેની રાહમાં છે. ફેડ દ્વારા વ્યાજદર, ફુગાવો અને આર્થિક વિકાસ અંગે કેવું નિવેદન આપવામાં આવે છે તે મહત્વનું બનશે. ન્યૂયોર્કમાં સ્પોટ સોનાનો ભાવ આ લખાય છે ત્યારે 1968 ડોલર અને ચાંદી 27.36 ડોલર પ્રતિ ઔંસ રહી હતી. 
ફેડરલ રિઝર્વ ફુગાવાના લક્ષ્યાંકને આધારે વ્યાજદરને જાળવી રાખવા માટે પ્રયાસ કરી રહી છે. છતાં નાણાનીતિ અંગે સ્પષ્ટતાની રાહ જોવાઇ રહી છે. ફુગાવો 2 ટકા ઉપર રહેશે તેવી આગાહી અત્યારે કરવામાં આવી રહી છે. 
અમેરિકી મધ્યસ્થ બેંકે ગયા મહિને ફુગાવા સામે અનુકૂળ અભિગમ દાખવ્યો છે અને વ્યાજદર લાંબાગાળા સુધી નીચી સપાટીએ જાળવી રાખવા માટે કહ્યું છે. ફેડ દ્વારા તેની નાણા નીતિ અંગેની ભાષામાં કોઇ ફેરફાર કરવામાં આવે છેકે કેમ તેના પર નિષ્ણાતોની નજર છે. કદાચ ત્રણ વર્ષ સુધી વ્યાજદર નીચાં રાખવામાં આવે અને ફુગાવા અંગે પણ કોઇ આવું જ નિવેદન થાય તો સોનાને ટેકો મળશે. જોકે વિશ્લેષકો કહે છે, ફેડ પોતે સમય મર્યાદા કે વ્યાજદરની મર્યાદા જાહેર કરીને બંધાઇ જવા માગતી નથી. 
અમેરિકાના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ સ્પીકર નેન્સિ પેલોસી કહે છે, ડેમોક્રેટસ વર્ગ રિપબ્લિકન્સ સાથે નવા કોરોના વાઇરસ એઇડ બિલ સાથે ચર્ચા કરવામાં ઓક્ટોબર મહિનો પસાર કરી દેવા માગે છે. એ જોતા તત્કાળ અમેરિકાનું બિલ આવે તેવી શક્યતા નથી. 
રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ શુધ્ધતા ધરાવતું સોનું 10 ગ્રામે રૂા. 100 ઘટી રૂા. 50700 અને ચાંદી રૂા. 100 તૂટતા રૂા. 63200 હતી. મુંબઇમાં સોનું રૂા. 96 ઘટી રૂા. 51797 અને ચાંદી રૂા. 875 ઘટતા રૂા. 65883 રહી હતી. 
Published on: Thu, 17 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer