નઠારુ પાકિસ્તાન સૌરાષ્ટ્રની 8 બોટ, 45 માછીમારોને ઉઠાવી ગયું

માછીમારીની સીઝન વખતે જ પોરબંદરની 6, વેરાવળની 2 બોટનું બંદૂકના નાળચે અપહરણ થતા રોષ
પોરબંદર, તા. 16 : માછીમારીની નવી સીઝન શરૂ થઈ છે ત્યાં પાકિસ્તાને નાપાક હરકત કરીને પોરબંદરની 6 અને વેરાવળની બે બોટો તથા તેના 45 માછીમારોને બંદીવાન બનાવીને રીતસરનો હાહાકાર મચાવતા માછીમારોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
એકબાજુ કોરોના અને લોકડાઉનને કારણે માછીમારી ઉદ્યોગને પણ ખૂબ ગંભીર અસર થઈ છે તો બીજીબાજુ માછીમારીની નવી સીઝન શરૂ થતાં જ પાક. મરીન સિક્યુરીટી એજન્સીએ આંતરરાષ્ટ્રીય દરિયાઈ જળસીમા નજીક માછીમારી કરી રહેલી સૌરાષ્ટ્રની બોટો ઉપર ત્રાટકીને મશીનગનના નાળચે 45 માછીમારોને બંદીવાન બનાવી લીધા હતા. પોરબંદરની 6 અને વેરાવળની બે સહિત કુલ 8 બોટોના ખલાસીઓ ભયભીત બની ગયા હતા અને પાક. મરીને દાદાગીરી કરીને મધદરિયેથી આ તમામને ઉઠાવી લીધા હતા અને પાકિસ્તાનની દરિયાઈ જળસીમા તરફ લઈ ગયા હતા.
માછીમારીની નવી સીઝન શરૂ થઈ ત્યારે હવામાન ખરાબ હોવાથી અને દરિયો તોફાની હોવાથી તથા વાવાઝોડાના સંજોગો બાદ માંડ હિંમત આવતા સાગરપુત્રો દરિયો ખેડવા માટે ગયા હતા અને કુદરતી આફત બાદ હવે પાક. મરીનની માનવ સર્જીત આફતને લીધે માછીમાર પરિવારજનોમાં અને બોટ માલીકોમાં ચિંતાનું મોજુ જોવા મળ્યું છે. ગુજરાતના દરિયાકાંઠેથી અવાર-નવાર પાક. મરીન નાપાક ઈરાદાઓ પાર પાડીને બોટો ઉઠાવી જાય છે. ત્યારે સ્વભાવિક રીતે જ માછીમારોમાં પણ આક્રોશ જોવા મળ્યો છે અને પાક. મરીનના કબ્જામાંથી અપહરણ થયેલી ફીશીંગ બોટોને વહેલીતકે છોડાવવામાં આવે તેવી માંગણી પણ ઉઠવા પામી છે.
Published on: Thu, 17 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer