ચીનની નવી ચાલ : લદ્દાખ સરહદે પીએમ મોદી વિરુદ્ધ ઉશ્કેરણી

લદ્દાખ, તા. 16 : પૂર્વ લદ્દાખમાં હજારો ફૂટ ઉંચા શિખરોએ પહોંચ મેળવીને ચીનની ઘૂસણખોરીને જડબાતોડ જવાબ આપનારા ભારતીય સૈનિકોનું મનોબળ તોડવા માટે ચીન હવે વધુ એક ચાલ ચાલી રહ્યું છે. પોતાના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સ મારફતે મનોવૈજ્ઞાનિક યુદ્ધ ચલાવનારા ચીને હવે લાઉડ સ્પીકર મારફતે ભારતીય સૈનિકોને પીએમ મોદી સામે ભડકાવવાના પ્રયાસ શરૂ કર્યા છે. લાઉડ સ્પીર મારફતે સૈનિકોનું મનોબળ તોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે તો અમુક સ્થળે પંજાબી ગીત વાગી રહ્યા છે. આ દરમિયાન પેંગોંગના દક્ષિણ કિનારે ચીને 10 હજાર સૈનિક એકત્રિત કર્યાના હેવાલ પણ સામે આવ્યા છે. 
ચીન પોતાની હજારો વર્ષ પહેલાની રણનીતિ ઉપર કામ કરી રહ્યું છે. ચીનના છઠ્ઠી શતાબ્દીના સૈન્ય રણનીતિકકાર સુન જૂએ પોતાનાં પુસ્તકમાં લખ્યું હતું કે, લડયા વિના જીતી લેવામાં આવે તેને સૌથી સારું યુદ્ધ કૌશલ્ય કહેવામાં આવે છે. આ રણનીતિ ઉપર કામ કરતા ચીની સેના અને ગ્લોબલ ટાઇમ્સ જેવા કોમ્યુનિસ્ટ પાર્ટીના મુખપત્ર લદ્દાખમાં ભારતીય સૈનિકો સામે મનોવૈજ્ઞાનિક યુદ્ધ કરી રહ્યા છે. એક અહેવાલ મુજબ ચીની સેનાએ પેંગોંગ લેકના ફિંગર 4 ઉપર પંજાબી ગીત શરૂ કર્યાં હતાં જ્યારે ચુસૂલમાં ચીની સેનાએ મોટા મોટા લાઉડ સ્પીકર લગાડયા છે અને કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય સેના પોતાના રાજનીતિક આકાઓના હાથે મૂરખ ન બને. આ દરમિયાન ઠંડીમાં ઉંચાઈએ સૈનિકોને તૈનાત કરવાના ભારતીય નેતાઓના નિર્ણયની સાર્થકતા ઉપર પણ સવાલ ઉઠાવ્યા હતા. 
દેપસાંગમાં ગ્રાઉન્ડ વોરની સંભાવનાની તલાશ
લદ્દાખ સરહદે તનાવ જલ્દી પૂરો થવાની શક્યતા ઓછી છે. ભારતીય સેના લોન્ગ હોલની તૈયારી કરી ચૂકી છે. આ કડીમાં સેના દ્વારા દૌલત બેગ ઓલ્ડી, દેપસાંગ વિસ્તારમાં પાણીની શોધ થઈ રહી છે. જેના માટે સેનાની ટીમ ભૂસ્તરશાત્રીઓ સાથે મળીને કામ કરી રહી છે. 
છેલ્લા 6 મહિનામાં ઇન્ડો-ચીન બોર્ડરે ઘૂસણખોરી નથી થઈ
કેન્દ્ર સરકારે બુધવારે સંસદમાં કહ્યું હતું કે, છેલ્લા છ મહિનામાં ભારત-ચીન સરહદે કોઈ ઘૂસણખોરી થઈ નથી. ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે પાકિસ્તાન તરફથી ઘૂસણખોરીની કોશિશ અંગે સંસદમાં જાણકારી આપી હતી જે એપ્રિલ મહિનામાં સૌથી વધારે થઈ હતી. જો કે ચીન ઉપર તેમણે કહ્યું હતું કે, છેલ્લા છ મહિનામાં ઇન્ડો ચીન બોર્ડરે કોઈ ઘૂસણખોરી થઈ નથી. 
Published on: Thu, 17 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer