આઈએનએસ વિરાટ 22મીએ અલંગ આવશે

આઈએનએસ વિરાટ 22મીએ અલંગ આવશે
60 વર્ષ જૂના વિશ્વના ઐતિહાસિક યુદ્ધ જહાજને અંતિમ વિદાય આપવા મુખ્યમંત્રી પણ હાજર રહે તેવી શક્યતા
અમદાવાદ, તા. 16:  વિશ્વનું ઐતિહાસિક યુદ્ધ જહાજ આઇએનએસ વિરાટ 22મી સપ્ટેમ્બરના રોજ અલંગ યાર્ડમાં આવશે જ્યાં તેને વિદાય આપવામાં આવશે. યુદ્ધ જહાજને અંતિમ વિદાય આપવા માટે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, કેન્દ્રીય શાપિંગપ્રધાન મનસુખ માંડવિયાની સાથે સાથે નેવીના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે તેવી માહિતી પ્રાપ્ત થઇ છે. 
મહત્ત્વનું છે કે, 60 વર્ષ જૂનું યુદ્ધ જહાજ હાલ જહાજ બંધ હાલતમાં છે અને એને ખાસ ટગ દ્વારા ટોઇંગ કરીને લાવવામાં આવશે. આઈએનએસ  વિરાટને વર્ષ 2017માં 30 વર્ષની સેવા બાદ નિવૃત્ત કરવામાં આવ્યું હતું અને હવે તેને તોડી નાખવામાં આવશે. ગયા વર્ષે જુલાઈ મહિનામાં કેન્દ્ર સરકારે સંસદમાં કહ્યું હતું કે આ યુદ્ધ જહાજના ભંગાણનો નિર્ણય ભારતીય નૌસેના દ્વારા ઉચિત પરામર્શમાં લેવામાં આવ્યો છે. ભારતની નૌસેનામાં આ યુદ્ધ જહાજે સૌથી લાંબા સમય સુધી સેવા આપી અને ગયા મહીને જ શ્રી રામ ગ્રુપ દ્વારા એક હરાજીમાં 38.54 કરોડ રૂપિયા ખરીદવામાં આવ્યું હતું. 
`સમુદ્રના સિકંદર' નામથી પ્રસિદ્ધ આ યુદ્ધજહાજ ભારતે  બીજુ વિમાન વાહક જહાજ છે અને આ જહાજે 30 વર્ષ સુધી ભારત નૌસેનામાં સેવા આપી. આ પહેલા તેણે બ્રિટનના રોયલ નેવીમાં 25 વર્ષ સુધી સેવા આપી હતી. નોંધનીય છે કે આ યુદ્ધ જહાજ એક પ્રકારથી હરતું-ફરતું શહેર જ હતું. તેમાં લાયબ્રેરી, જીમ, એટીએમ, ટીવી-વીડિયો સ્ટુડીઓ, હોસ્પિટલ, મીઠા પાણીના પ્લાન્ટ જેવી સુવિધાઓ હતી. 
226 મીટર લાંબા અને 49 મીટર પહોળા આઇએનએસ વિરાટને ભારતીય નૌસેનામાં સામેલ કર્યા બાદ જુલાઈ 1989માં ઓપરેશન જુપિટરમાં પહેલીવાર શ્રીલંકામાં શાંતિ સ્થાપના માટે ઓપરેશનમાં મોકલવામાં આવ્યું હતું. 2001માં ભારતીય સંસદ પર આતંકવાદી હુમલા બાદના ઓપરેશન પરાક્રમમાં પણ આ યુદ્ધ જહાજની ખૂબ મોટી ભૂમિકા હતી. વિરાટ યુદ્ધ જહાજે વિશ્વના 27 વાર ચક્કર લગાવામાં  1,094,215 કિમીનું અંતર કાપ્યું હતું.  
આઇએનએસ વિરાટનું નામ ગિનીઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સામેલ છે અને આ દુનિયાનું એકમાત્ર એવું યુદ્ધ જહાજ છે જે આટલા વર્ષના ઉપયોગ બાદ પણ વપરાઈ રહ્યું છે અને સારી પરિસ્થિતિમાં છે. યુદ્ધ જહાજને `ગ્રેટ ઓલ્ડ લેડી'ના નામથી પણ ઓળખવામાં આવે છે. પશ્ચિમી નૌસેના દ્વારા એકવાર કહેવામાં આવ્યું હતું કે ઈતિહાસમાં સૌથી વધારે સેવા આપનાર આ એકમાત્ર યુદ્ધ જહાજ છે.
Published on: Thu, 17 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer