ભારતમાં કોરોનાના કેસ 50 લાખને પાર

ભારતમાં કોરોનાના કેસ 50 લાખને પાર
માત્ર 11 દિવસમાં 10 લાખ કેસ વધ્યા : મૃત્યુઆંક 82286એ પહોંચ્યો
નવી દિલ્હી, તા. 16 : ભારતમાં કોરોના વાયરસના  નવા 90 હજારથી વધારે કેસ સામે આવ્યા બાદ હવે દેશમાં સંક્રમિત લોકોની કુલ સંખ્યા 50,00,000ને પાર પહોંચી ગઈ છે. દેશમાં માત્ર 11 દિવસની અંદર મામલા 40 લાખથી વધીને 50 લાખથી ઉપર પહોંચ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર બુધવાર સુધીમાં 3942360 લોકો સંક્રમણથી મુક્ત થયા બાદ દેશમાં કોરોના-19ના દર્દીઓ સાજા થવાનો દર 78.53 ટકા થયો છે. આ ઉપરાંત કુલ મૃત્યુઆંક 82286એ પહોંચી ગયો છે. વર્લ્ડઓમીટરના આંકડા પ્રમાણે દુનિયામાં કોરોનાના કુલ 29770666 કેસ નોંધાયા છે અને 940078 લોકોએ જીવ ગુમાવ્યો છે. તેમજ 21.56 લાખ લોકો રિકવર થયા છે.
મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં કોરોનાના મામલાની કુલ સંખ્યા 50,20,359 થઈ છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં સર્વાધિક 1290 લોકોના મૃત્યુ બાદ મૃત્યુઆંક વધીને 82066 થયો છે. ભારતમાં કોરોના વાયરસના કેસ 21 દિવસમાં 10થી 20 લાખને પાર પહોંચ્યા હતા. ત્યારબાદ 16 દિવસમાં 30 લાખ અને 13 દિવસમાં 40 લાખના આંકડાને પાર કર્યો હતો. જ્યારે 40 લાખ પછી 50 લાખ કેસ માત્ર 11 દિવસમાં થયા છે.
દેશમાં 11 દિવસમાં કોરોના વાયરસના એક લાખ કેસ થયા હતા અને 59 દિવસમાં 10 લાખને પાર પહોંચી ગયા હતા. જ્યારે કોરોનાથી મૃત્યુદર ઘટીને 1.63 ટકા થયો છે. આંકડા અનુસાર 10 લાખથી વધારે સક્રિય કેસ છે. જે કુલ મામલાના 19.84 ટકા આસપાસ છે. આ ઉપરાંત આઈસીએમઆર અનુસાર 15 સપ્ટેમ્બર સુધીમાં કુલ 59429115 નમૂનાની કોરોનાની તપાસ કરવામાં આવી હતી. છેલ્લા 24 કલાકમાં જે 1290 લોકોએ જીવ ગુમાવ્યો છે. તેમાંથી સૌથી વધુ 515 લોકો મહારાષ્ટ્રના છે.
Published on: Thu, 17 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer