કોલકાતા સામે વિજયના માર્ગ પર ચડવા મુંબઈ તત્પર

કોલકાતા સામે વિજયના માર્ગ પર ચડવા મુંબઈ તત્પર
અબુધાબી, તા.22: કોલકતા નાઇટ રાઇડર્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે બુધવારે રમાનાર આઇપીએલનો મુકાબલો આતશી બેટધરોનો જંગ પણ હશે. પહેલા મેચમાં ચેન્નાઇ સામે પરાજયનો સામનો કરી ચૂકેલી રોહિત શર્માની ટીમ આ મેચથી જીતની રાહ પર વાપસી કરવા બેતાબ હશે. તો કેકેઆર ટીમ તેના આઇપીએલ-2020 અભિયાનનો પ્રારંભ વિજય સાથે કરવા હલ્લાબોલ કરશે. બન્ને ટીમ પાસે સારા હિટર્સ છે. આ મેચમાં સૌથી મોંઘો વિદેશી ખેલાડી પેટ કમિન્સ પણ રમતો જોવા મળશે. આ કાંગારૂ ફાસ્ટ બોલર કોલકતાની બોલિંગ લાઇન અપની આગેવાની કરશે.
કેકેઆર પાસે આઇપીએલનો મોસ્ટ વેલ્યૂએબલ ગણાતો ખેલાડી કેરેબિયન ઓલરાઉન્ડર આંદ્રે રસેલ છે. જે કોઇ પણ બોલિંગ લાઇનઅપને છિન્નભિન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. કેકેઆર પાસે આ સિવાય ઇંગ્લેન્ડને વિશ્વ વિજેતા બનાવનાર સુકાની ઇયોન મોર્ગન છે. ટીમની કેપ્ટનશીપ વિકેટકીપર દિનેશ કાર્તિક સંભાળશે. ટીમમાં શુભમન ગિલ, નીતિશ રાણા જેવા બેટસમેન છે. કેકેઆર માટે સુનિલ નારાયણ ચાવીરૂપ ખેલાડી સાબિત થઇ શકે છે. તે ઓપનિંગમાં આક્રમક બેટિંગ કરી જાણે છે અને સ્પિન જાળ બિછાવીને હરીફ ટીમના બેટધરોને નતમસ્તક કરી શકે છે.
બીજી તરફ મુંબઇ ઇન્ડિયન્સની ટીમ ચેન્નાઇ સામેની હાર ભૂલીને જીતની રાહ પર વાપસી કરવા મેદાને પડશે. પહેલા મેચમાં ટીમની નબળી ફિલ્ડીંગ અને તેના પ્રીમિયર ફાસ્ટ બોલર બુમરાહની નબળી બોલિંગ ચિંતાનું કારણ બની શકે છે. પંડયાબંધુ પણ નિષ્ફળ રહ્યા હતા. ટીમ પાસે સુકાની રોહિત શર્મા, કીરોન પોલાર્ડ અને હાર્દિક પંડયાના રૂપમાં હાર્ડ હીટર બેટસમેન છે. કિવંટન ડિ' કોકનું શાનદાર ફોર્મ મુંબઇ માટે સારી નિશાની છે. આવતીકાલના મેચમાં મુંબઇની નજર ટોસ જીતવાની સ્થિતિમાં પહેલો દાવ લઇને 180થી વધુનો સ્કોર કરવા પર રહેશે.
Published on: Wed, 23 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer