ડૉ. રેડ્ડી''સ લેબ કોરોના વાઇરસની રશિયન રસીની ટ્રાયલ્સ થોડા સપ્તાહમાં શરૂ કરશે

ભારતમાં વૅક્સિનની પાઈપલાઈન વિશ્વની સૌથી મોટી રહેશે
મુંબઈ, તા. 22 સપ્ટે
રશિયાની કોરોના વાઇરસ વેક્સિનની લેટ-સ્ટેજ ક્લિનિકલ ટ્રાયલ્સ ડૉ. રેડ્ડીસ લેબોરેટરીઝ ભારતમાં આગામી થોડા સપ્તાહમાં શરૂ કરે એવી શક્યતા છે. 
રશિયાના સોવરેન વેલ્થ ફંડ દ્વારા વિકસાવાઈ રહેલી સ્પુટનિક વેક્સિનની ભારતીય ટ્રાયલમાં 1,000-2,000 લોકો ભાગ લેશે અને દેશવ્યાપી વિવિધ સરકારી અને ખાનગી હૉસ્પિટલોમાં આ ટ્રાયલ કરવામાં આવશે એવી માહિતી કંપનીના એપીઆઈ અને ફાર્માસ્યુટિકલ સર્વિસીસ સીઈઓ દીપક સપ્રાએ આપી હતી. 
ભારતના નિયામકોની જરૂરી મંજૂરીઓ લઈને ક્લિનિકલ ટ્રાયલ્સ શરૂ કરવાનું પ્રથમ પગલું અમે આગામી થોડા સપ્તાહોમાં લેવા માગીએ છીએ, એમ તેમણે રોઈટર્સને કહ્યું હતું. 
રશિયાના ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (આરડીઆઈએફ) અને ડૉ. રેડ્ડીસ વચ્ચે થયેલી સમજુતીનો આ ભાગ છે. સમજૂતી અનુસાર ભારતની કંપની ભારતમાં ત્રીજા તબક્કાનો અભ્યાસ કરશે, સ્થાનિક મંજૂરીઓ મેળવશે અને પછી ભારતમાં બનેલી વેક્સિન દેશમાં પૂરી પાડશે. આરડીઆઈએફ ડૉ. રેડ્ડીસને 10 કરોડ ડોઝ આપશે. 
ઉપરાંત ભારતમાં વેક્સિનના 30 કરોડ ડોઝ બનાવવા માટે આરડીએફઆઇએ ભારતના ઉત્પાદકો સાથે સમજૂતી કરી છે. કોરોના વાઇરસ વેક્સિનને મંજૂરી આપનાર રશિયા પહેલો દેશ હતો. 
ભારતમાં જે સ્પુટનિક વેક્સિન ઉપલબ્ધ થશે તે શક્યતા ભારત અને રશિયામાં બનેલા ડોઝનું મિશ્રણ હશે એમ જણાવતા સપ્રાએ કહ્યું હતું કે ભારતના ઉત્પાદકો ટૂંક સમયમાં નક્કી થશે. 
આરડીઆઈએફના કહેવા અનુસાર વેક્સિનની ભારતમાં ડિલિવરી 2020ના અંત ભાગમાં શરૂ થઈ શકે પણ સપ્રા માને છે કે તેમાં વધુ સમય થશે. આખી પ્રક્રિયાને પૂરી કરવામાં થોડા મહિનાઓ લાગી જશે, એમ તેમણે કહ્યું હતું. 
દેશમાં 30 જેટલી વાઇરસ વેક્સિન પર કામ ચાલુ છે જે ઉદ્યોગ અને એકેડેમીમાં બની રહી છે.  એ બધી પ્રિ-ક્લિનિકલ અને ક્લિનિકલ ડેવેલપમેન્ટના વિવિધ તબક્કે છે, એમ સ્વાસ્થ્ય અને કુટુંબ કલ્યાણ પ્રધાન હર્ષવર્ધને તાજેતરમાં લોકસભામાં કહ્યું હતું. આ જોતા ભારતમાં વેક્સિન પાઈપલાઈન વિશ્વની સૌથી મોટી રહેશે, એમ મનાય  છે.
Published on: Wed, 23 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer