ડૉલરમાં તેજી આવતાં સોના-ચાંદીમાં કડાકો

અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા.22 : સોના-ચાંદીના ભાવમાં કડાકો બોલી ગયો હતો. ડૉલરમાં તીવ્ર ઉછાળો આવવાથી એક મહિનાની ટોચ પર પહોંચતા સોનું એક તબક્કે 1900 ડૉલરનું મહત્ત્વનું સ્તર તોડીને 1839 સુધી ઘટ્યા બાદ આ લખાય છે ત્યારે 1905ના સ્તરે હતું. ચાંદી પણ 24 ડૉલર તોડી 23.82 થઇને સાંજે 24.37 ડૉલર રનિંગ હતી. 
કોરોના વાઇરસને લીધે અમેરિકા સહિતના અર્થતંત્રોને માઠી અસર થઈ છે પણ હવે નવા ઉદ્દીપક પેકેજો અંગે શંકા વ્યક્ત થવા લાગી છે. પરિણામે ફુગાવો અપેક્ષા પ્રમાણે નહીં વધે એમ લાગતા કરન્સીમાં તેજી આવી છે અને સોનાની ખરીદીનો પ્રવાહ ઘટ્યો છે.  
ડૉલરની તેજીને કારણે સલામત રોકાણની માગમાં ઘટાડો થયો છે. યુરોપમાં વધતા જતા કોરોના કેસને લીધે ફરીથી લોકડાઉનની સ્થિતિ સર્જાવાથી પણ ડૉલરની તેજીને વેગ મળ્યો છે. બૅન્ક અૉફ ચાઇનાના કહેવા પ્રમાણે સોનામાં ઊંચા મથાળેથી ભારેખમ વેચવાલી નીકળી છે. ફંડો અને મોટા રોકાણકારો નફો બુક કરી રહ્યા છે.  રોકાણકારોની નજર ચાલુ સપ્તાહમાં ફેડ ચૅરમૅન જેરોમ પોવેલની ટેસ્ટીમોની બેઠક પર છે. એમાં કોરોના સામે અર્થતંત્ર માટે શું પગલાં લેવાશે તેના સંકેત મળવાની રાહ છે. ટેક્નિકલ રીતે સોનાને 1886 ડૉલરની સપાટીએ મહત્ત્વનો ટેકો છે. આ સ્તર ગુમાવે તો સોનું ફરીથી 1855 સુધી આવી શકે છે. ચાંદીમાં 23 ડૉલર ટેકારૂપ છે. 
વૈશ્વિક કડાકાને પગલે સ્થાનિક બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામે રૂા. 600ના મોટાં ગાબડાં સાથે રૂા. 51,650 થઈ ગયો હતો. જ્યારે ચાંદી રૂા. 3,300 તૂટી જતા રૂા. 59,400 એ આવી ગઇ હતી. લાંબા સમય પછી 60 હજારનું સ્તર તૂટ્યું હતુ. મુંબઈમાં ચાંદી રૂા. 4,182 ઘટીને રૂા. 59,959 અને સોનું રૂા. 658 ગબડી જતા રૂા. 50,683 હતું.
Published on: Wed, 23 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer