વિયેતનામનાં મરીની નિકાસમાં 20 ટકા જેટલો ઘટાડો

માગમાં ઘટાડો અને ગુણવત્તાની સમસ્યા
ઈન્ડિયન પેપર એન્ડ સ્પાઈસ ટ્રેડર્સ, ગ્રોઅર્સ, પ્લાન્ટર્સ કન્સોશિંયમના કેરળ ચેપ્ટરના કો-ઓર્ડિનેટર 
કિશોર શામજીના અહેવાલો મારફતે વ્યાપારે અવારનવાર કાળા મરીની આયાતમાં આચરવામાં આવતી ગેરરીતિઓ ઉપરથી પડદો ઉઠાવ્યો હતો
કલ્પેશ શેઠ તરફથી
મુંબઇ તા: 22 : વિદેશ વ્યાપાર સમજુતિનાં ઓઠાં હેઠળ શ્રીલંકા માર્ગે વિયેટનામથી ભારતમાં મરીની આયાતના નામે હવાલા કૌભાંડોના આરોપોથી બદનામ થયેલા વિયેટનામનાં કાળા મરીનાં એક્સ્પોર્ટ બિઝનેસને ગંભીર ફટકો પડ્યો છે. કારણ કે છેલ્લા થોડાં સમયથી વિયેટનામની મરીની નિકાસમાં 20 ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે. 
વિયેટનામનાં ઇમ્પોર્ટ-એક્સ્પોર્ટ વિભાગનાં જણાવ્યા પ્રમાણે વર્ષ-2020 નાં પ્રથમ આઠ મહિનામાં 203000 ટન મરીની નિકાસ થઇ છે. જેની કિંમત 44.5 કરોડ અમેરિકન ડોલરની આંકી શકાય. પરંતુ આ વખતે વિયેટનામે ગત વર્ષે  કરેલી નિકાસની સરખામણીઐ વોલ્યુમમાં 7.4 ટકાની ઓછી નિપજની જ્યારે કિંમતમાં 19.9 ટકાની નિકાસ ઘટાડી છે. ઓગસ્ટ-20 નાં કાળા મરીની નિકાસનાં સરેરાશ ભાવ ટન દિઠ 2500 ડોલર રહ્યા હોવાનું જાણવા મળે છે. જ્યારે પ્રથમ આઠ મહિનાનાં સરેરાશ ભાવ ટન દિઠ 2198 ડોલરનાં રહ્યા હતા. હાલનાં ભાવ ગત ઓગસ્ટ-19 નાં ભાવ કરતાં આશરે 13 ટકાનો ઘટાડો સુચવે છે. 
નીચા ભાવ છતાં એક્સ્પોર્ટમાં ઘટાડા માટે લોકડાઉનનાં કારણે હોટલોના વપરાશમાં ઘટાડા તથા ટ્રેન સેવા બંધ હોવાના કારણે સર્વિસ સેક્ટરની માગ ઘટી હોવાને પણ જવાબદાર માનવામાં આવે છે. આ ઉપરાંત શ્રીલંકા તથા ભારત વચ્ચેની દ્વિપક્ષિય વ્યાપાર સંધિનો ગેરલાભ ઉઠાવીને અમુક તત્વો વિયેટનામથી વાયા શ્રીલંકા થઇને ગેરકાયદે ઓછા ભાવે મ્રીની આયાત કરતા હોવાના ચોંકાવનારા કિસ્સા કોચીનાં વ્યાપારી સંગઠનોના ધ્યાનમાં આવ્યા હતા. જે અંગે વ્યાપારમાં પણ અહેવાલો પ્રકાશિત થયા હતા.  બાકી હોય તો ઓગસ્ટ-20 માં વિયેટનામથી આયાત થતા કાળા મરીની ગુણવત્તા સામે પણ વ્યાપક ફરિયાદો થઇ છે. આ ફરિયાદો બાદ ભારત સ્થિત વિયેટનામ ટ્રેડ ઓફિસને ફરિયાદ કરવામાં આવી હતી અને વિયેટનામથી આવતા મરીમાં પિંપરીનનું પ્રમાણ ભારતે નક્કી કરેલા પ્રમાણ અનુસાર આવતું ન હોવાની ચેતવણી પણ આપવામાં આવી હતી. જેના પરિણામે વિયેટનામ સરકારની ઇન્ડસ્ટ્રી એન્ડ ટ્રેડ મિનીસ્ટ્રીઐ સ્થાનિક નિકાસકારોને ચેતવણી પણ આપવી પડી હતી.    
વિયેટનામ પેપર એશોસિએશનનાં જણાવ્યા પ્રમાણે અગાઉ આશરે 280000 ટન મરીની નિકાસ સાથે વિયેટનામ સરકારે 80 કરોડ ામેરિકન ડોલરનું વિદેશી હુંડિયામણ રળવાનું લક્ષ્યાંક રાખ્યું હતું પરંતું લોકડાઉનના કારણે ભારત, ામેરિકા તથા યુરોપમાં મરીની નિકાસ ઘટી છે. બાકી હોય તો  ઉપર જણાવ્યા પ્રમાણેનાં ગુણવત્તાનાં અવરોધોના કારણે હવે આ લક્ષ્યાંક હાંસલ કરવું મુશ્કેલ બનશે.  વ્યવસાયિક વર્તુળોના જણાવ્યા પ્રમાણે 2019-20 માં મરીનું ઉત્પાદન 558000 ટનનું થયું હતું જેની સામે વપરાશ 496000 ટનનો હોવાની ધારણા છે.  તેથી બજાર ઉપર માગ કરતા પુરવઠો વધારે હોવાનો બોજ પણ પ્રભાવી રહેશે.
Published on: Wed, 23 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer