સંજય રાઉતને કેસમાં પક્ષકાર બનાવવાની કંગનાની વિનંતી હાઈ કોર્ટે સ્વીકારી

કંગના ધારાશાત્રીએ ધમકીની સીડી કોર્ટને આપી  
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 22 : અભિનેત્રી કંગના રણાવતની બાંદ્રાસ્થિત પોતાની અૉફિસમાંના ગેરકાયદે બાંધકામ તોડી પાડવાની મુંબઈ પાલિકાની કાર્યવાહીને ગેરકાયદે જ કરેલા કેસમાં શિવસેનાના સાંસદ સંજય રાઉતને પણ પાર્ટી બનાવવાની કોર્ટે અભિનેત્રીને પરવાનગી આપી હતી. 
મુંબઈ હાઈ કોર્ટમાં કંગનાની અરજીની મંગળવારે સુનાવણી થઈ હતી. કંગના જો અંગત આક્ષેપો કરે તો જવાબ આપવાની છૂટ કોર્ટે એચ વોર્ડના અૉફિસર ભાગ્યવંત લાટેને પણ આપી હતી. 
કંગનાએ ડિમોલિશનની કાર્યવાહીને ગેરકાયદે જાહેર કરવા ઉપરાંત પાલિકા પાસેથી બે કરોડના વળતરની પણ માગણી કરી છે. તેણે એવી પણ દલીલ કરી છે મારી અૉફિસમાં કોઈ ગેરકાયદે બાંધકામ કરાયું નહોતું અને પાલિકાએ મારી સાથે ભેદભાવ વર્તન કર્યું છે. મારી અૉફિસની બાજુમાં ફેશન ડિઝાઈનર મનિષ મલ્હોત્રાની પણ અૉફિસ છે અને તેને પાલિકાએ સાત દિવસની નોટિસ આપી છે જ્યારે મને 24 કલાક જ આપવામાં આવેલા. 
મંગળવારે સુનાવણી દરમિયાન કંગનાના સિનિયર ઍડવોકેટ બીરેન્દ્ર સરાફે શિવસેનાના નેતા સંજય રાઉતના સંભાષણની એક સીડી કોર્ટને આપી હતી. સંજય રાઉત કંગનાને ધમકી આપતા હોવાનો સીડીમાં ઉલ્લેખ છે. બૅન્ચના જજ જસ્ટિસ એસ. જે. કાથાવાલાએ કહ્યું હતું કે અરજદાર કંગના જો સીડી પર મદાર રાખશે તો સંજય રાઉતને પણ બચાવ કરવાની અમારે તક આપવી પડશે. જસ્ટિસ કાથાવાલાએ કહ્યું હતું કે સંજય રાઉત જો એમ કહે કે આ સીડી ઉપજાવી કાઢેલી છે અને મેં આવું નિવેદન કર્યું નથી તો? એટલે તેમને બચાવ કરવાની તક મળવી જોઈએ. બૅન્ચના અન્ય જજ જસ્ટિસ આર.આઈ. ચાગલા છે.   
બૅન્ચે કહ્યું હતું કે આગામી સુનાવણીમાં પાલિકાની ડિમોલિશન નોટિસ સંબંધે અરજદારને કેટલો સમય ફાળવો એ બન્ને પક્ષ દલીલ કરીને નક્કી કરશે. કંગનાએ સોમવારે જે નવી એફિડેવિટ ફાઈલ કરી એનો જવાબ આપવા પાલિકાને ગુરુવાર સુધીનો સમય અપાયો છે. આ નવી એફિડેવિટમાં કંગનાએ તેની અૉફિસમાં કોઈ સ્ટ્રકચરલ ફેરફારો ન કર્યા હોવાનું જણાવ્યું હતું. પાલિકાના સિનિયર કાઉન્સેલ અસ્પી ચિનોય એ સામે વાંધો ઉઠાવતા બૅન્ચે પાલિકાને પણ સુધી સોગંદનામું ફાઈલ કરવા કહ્યું હતું. 
કેસની આગામી સનાવણી બુધવારે (આજે) થાય એવી શક્યતા છે.
Published on: Wed, 23 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer