અમેરિકાનું મિશન મૂન 2024માં મહિલા સહિત બે અવકાશયાત્રી ચંદ્ર પર જશે

વાશિંગ્ટન, તા. 22 : વધુ એકવાર ચંદ્ર પર મનુષ્યના પગલાંની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. અમેરિકી અંતરીક્ષ એજન્સી નાસાએ 2024માં ચંદ્ર પર મનુષ્યને મોકલવાનું બીડુ ઝડપ્યું છે.
2024ના મિશન મૂન માટે અમેરિકી કોંગ્રેસે 28 બિલિયન ડોલરની જંગી રકમ મંજૂર કરી છે. તેમાંથી 16 બિલિયન ડોલર ચંદ્ર પર જનારા લેન્ડિંગ એરક્રાફ્ટ પર ખર્ચ થશે. અમેરિકામાં 3 નવેમ્બરે ચૂંટણી છે. તે પહેલા જ અમેરિકી કોંગ્રેસે આ પ્રોજેકટને મંજૂરી આપવાના પ્રયાસ ઝડપી બનાવ્યા છે.આ પ્રોજેકટ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો મહત્વકાંક્ષી પ્રોજેકટ માનવામાં આવે છે. ટ્રમ્પે અગાઉ પોતાની પ્રાથમિકતા જણાવતાં કહ્યું હતુ કે ચંદ્ર પર જો ફરી મનુષ્યના પગલાં પડતાં જોઈ તેઓને ખુશી થશે. 
28 બિલિયન ડોલરની રકમ વર્ષ 2021 થી 2025 વચ્ચેના બજેટમાંથી ફાળવવામાં આવશે. ચૂંટણી વખતે નાસા પર હંમેશા રાજકીય દબાણ રહેતું હોવાનું કહેવાય છે. નાસાના અધિકારીએ કહ્યું કે ક્રિસમસ સુધીમાં જો 3.2 બિલિયન ડોલર મંજૂર કરી દેવામાં આવે તો 2024 સુધીમાં ચંદ્ર પર ઉતરવાના મિશનને પુર્ણ કરી લેશું.
Published on: Wed, 23 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer