સહકારી બૅન્કો પણ હવે આરબીઆઈની દેખરેખ હેઠળ

બૅન્કિંગ રેગ્યુલેશન બિલ રાજ્યસભામાં પસાર
નવીદિલ્હી, તા. 22 : લોકસભા બાદ રાજ્યસભાએ પણ આજે બેન્કિંગ રેગ્યુલેશન બિલ 2020 માટે પણ મંજૂરી આપી દીધી હતી. આ નવા કાયદા હેઠળ દેશભરની તમામ સહકારી બેંકો પણ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની દેખરેખ હેઠળ કામ કરશે. આ ખરડાને હવે કાયદાનું રૂપ આપવા માટે રાષ્ટ્રપતિને સહી માટે મોકલવામાં આવશે. આ બિલને લોકસભા દ્વારા ગયા અઠવાડિયે જ મંજૂર કરાયું હતું. 
રાજ્યસભામાં આ ખરડો પસાર થયા પછી નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે કહ્યું હતું કે થાપણદારોના હિતોની રક્ષા માટે આ બિલમાં આ સુધારો લાવવામાં આવ્યો છે. હવે દેશની તમામ સહકારી બેંકો આરબીઆઈનાં નિયમન હેઠળ રહેશે, જેથી પીએમસી બેંક જેવા કૌભાંડો ન થાય. વાસ્તવમાં, દેશમાં સહકારી બેંકોની સતત કથળતી આર્થિક સ્થિતિ અને કૌભાંડો સામે આવ્યા પછી કેન્દ્ર સરકારે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 માં સુધારો કરવાનો નિર્ણય લીધો હતો. સહકારી બેંકોને રિઝર્વ બેંક હેઠળ લાવવા કેન્દ્ર સરકારે જૂનમાં વટહુકમ બહાર પાડયો હતો. 
બેન્કિંગ રેગ્યુલેશન બિલ હેઠળ હવે દેશની તમામ સહકારી બેંકોના નિયમો અને કાયદાઓ વ્યવસાયિક બેન્કો જેવા જ રહેશે.
Published on: Wed, 23 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer