હેન્કોક પુલના બાંધકામની આડે આવતી ઈમારતોને નોટિસ

મુંબઈ, તા. 22 : ડોંગરી અને મઝગાંવને જોડતા હેન્કોક પુલનું નિર્માણ જોરશોરથી ચાલી રહ્યું છે. પરંતુ ડોંગરીના નૂરબાગ વિસ્તારની આઠ ઈમારતો પુલના બાંધકામમાં અવરોધ બની છે. આઠમાંથી સાત મકાનોના રહેવાસીઓને પાલિકાએ નોટિસ બજાવી છે. તો એક ઈમારત આ પહેલાં જ જમીનદોસ્ત કરવામાં આવી છે. આથી 350 પરિવારોના રહેઠાણનો પ્રશ્ન ઊભો થયો છે. આ રહેવાસીઓ મઝગાંવમાં પોતાનું પુનર્વસન કરવાની માગણી કરી રહ્યાં છે. 
જોખમી થયેલો હેન્કોક પુલ 2016માં તોડી પાડવામાં આવ્યો હતો. લગભગ ચાર વર્ષના વિલંબ પછી આ વર્ષે જુલાઈમાં તેનું પુનર્નિર્માણ શરૂ થયું. એક તરફનો પુલ તૈયાર થઈ ગયો છે અને બીજી બાજુનું કામ વહેલી તકે પૂરું કરવામાં આવશે. પરંતુ નૂરબાગ પરિસરમાં પુલના કામમાં મેઘાજી, થોવર મેનશન ચાર, થોવર મેનશન ત્રણ, શેખભાઈ, થોવર મેનશન બે, પ્રગતિ ઇમારત, સકીનાબાઈ મેનશન અને શ્યામજી નામની આઠ ઈમારતો અવરોધ બની છે. થોવર મેનશન ચાર નામની ઈમારત જોખમી બનવાથી 45 વર્ષ પહેલાં જ પાડી નાખવામાં આવી હતી. હજી સુધી એનું પુનર્નિર્માણ થયું નથી. ઈમારતના 45 પરિવારો આજે પણ  સંક્રમણ શિબિરમાં રહે છે.બાકીની સાતે ઈમારતો અંગ્રેજોના સમયની છે. સાતમાંથી કેટલીક ઈમારતો મ્હાડાની છે. તેથી રહેવાસીઓ મ્હાડામાં ગયા છે. પરંતુ તેમના પુનર્વસનની જવાબદારી પાલિકાની છે એમ મ્હાડાનાં અધિકારીઓએ જણાવ્યું હોવાનું  જાણવા મળ્યું છે. પાલિકાના પ્રકલ્પને અવરોધ બનતી ઈમારતોના રહેવાસીઓનું  માહુલમાં પુનર્વસન કરાય છે પરંતુ રહેવાસીઓએ ત્યાં જવાનો ઇન્કાર કરીને મઝગાંવમાં પુનર્વસન કરવાની માગણી કરી છે. 
Published on: Wed, 23 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer