કોરોનાના દરદીઓની સંખ્યા 9500 ઈમારતો સીલ

મુંબઈ, તા. 22 : શહેરમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે અને તે સાથે સીલ કરવામાં આવેલી ઈમારતોની સંખ્યા પણ વધવા લાગી છે. છેલ્લા પંદર દિવસમાં જ સીલ ઈમારતની સંખ્યામાં 3,000નો વધારો થયો છે. મુંબઈમાં વર્તમાનમાં કુલ 9500 ઈમારતો સીલ થયેલી છે. 
શરૂઆતના સમયમાં મકાનમાં એકાદ દર્દી સંક્રમિત મળે તો પણ આખી ઈમારત સીલ કરવામાં આવતી હતી. તેનો મોટા પ્રમાણમાં વિરોધ થવા લાગતાં આ નિયમ હળવો કરવામાં આવ્યો હતો અને દર્દી રહેતો હોય એ માળ અથવા એકાદ ઘર જ સીલ કરવામાં આવતા હતા. પરંતુ ગયા અઠવાડિયે પાલિકાએ ફરી એકવાર સીલ ઈમારત અંગેની નિયમાવલીમાં ફેરફાર કરીને ઈમારતમાં દસ કરતાં વધુ દર્દી હોય અથવા બે અથવા વધુ માળ પર દર્દીઓ મળી આવે તો આખી ઈમારત સીલ કરવાનું નક્કી કર્યું છે. અૉગસ્ટમાં દર્દીઓ વધવાનો દર ઘટતાં સીલ ઈમારતની સંખ્યા પણ ઘટી હતી. પરંતુ સપ્ટેમ્બરથી આ સંખ્યા પણ વધવા લાગી છે. વર્તમાનમાં કુલ દર્દીઓમાંથી 80 ટકા દર્દી ઈમારતોમાંથી છે. 
મલબાર હિલ, નાના ચોક જેવા ઉચ્ચભ્રૂ વિસ્તારમાં એકાદ ગગનચુંબી ઈમારતમાં ફક્ત એક જ માળ પર સાત-આઠ દર્દી હોય તો ત્યાં આખી ચાલીસ માળની ઈમારત સીલ કરવાને બદલે એક જ માળ સીલ કરી શકાય. પરંતુ પાંચ-છ માળ મળીને દસ દર્દીઓ હોય તો આખી ઈમારત સીલ કરવી જરૂરી બની રહે છે એવું ડી વોર્ડના સહાયક આયુક્ત પ્રશાંત ગાયકવાડે જણાવ્યું હતું. 
જી-ઉત્તર વોર્ડના સહાયક આયુક્ત કિરણ દીઘાવકરે જણાવ્યું હતું કે એકાદ ઈમારતમાં દર્દી હોય તો અત્યારસુધી ફક્ત એ માળ જ સીલ કરવામાં આવતો હતો પરંતુ લોકો ઘણીવાર હોમ ક્વોરેન્ટાઇનના નિયમનું પાલન ન કરતાં નથી. આથી સંક્રમણ અન્ય રહેવાસીઓમાં પણ ફેલાય છે. આ સંજોગોમાં આખી ઈમારત સીલ ન કરીએ તો અન્ય રહેવાસીઓ બિન્ધાસ્ત બહાર ફરતાં રહે છે. આથી સંક્રમણ વધતું જાય છે. ઇમારત સીલ કરવાથી સંક્રમણ ફેલાતું રોકવામાં મદદ મળે છે.
Published on: Wed, 23 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer