એસબીઆઇ તેના ગ્રાહકોને હોમ અને ઓટો લૉનની ચુકવણીમાં બે વર્ષ સુધીની રાહત આપશે

મુંબઇ, તા. 22 : સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ)એ તેમના કોવિડથી અસરગ્રસ્ત હોમ લોન અને રિટેલ લોન ગ્રાહકોને બે વર્ષ સુધી લૉન રિપેમેન્ટમાં રાહત આપી છે. તેમાં ગ્રાહકોને મોરેટોરિયમ અથવા મોરેટોરિયમના સમયગાળા જેટલોજ સમય લોનના રિશેડયુલિંગ માટે અપાશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. મોરેટોરિયમનો સમય મહત્તમ બે વર્ષ સુધી લંબાવી શકાશે. એસબીઆઇની આ પહેલ બાદ અન્ય પીએસયુ બૅન્કો પણ તેનું અનુસરણ કરશે. 
1માર્ચ 2020 પહેલાં હોમ અથવા ઓટો લોન લેનાર ગ્રાહકોએ જો લોકડાઉનના સમય દરમિયાન હપ્તા નિયમિતપણે ભર્યા હશે તો  તેમને આ રાહતનો લાભ મળશે, એવી સ્પષ્ટતા પણ એસબીઆઇએ કરી છે. જોકે, ગ્રાહકોએ એ વાત સ્પષ્ટ કરવી પડશે કે મહામારીના કારણે તેમની આવકને અસર થઇ છે. આ સાથે હોમ અને ઓટો લોન લેનાર ગ્રાહકોને એનપીએ અથવા ડિફોલ્ટર તરીકે ઘોષિત કરી શકાશે નહીં પણ તેમને 0.35 ટકાનું વધારાનું વ્યાજ વાર્ષિક ધોરણે ભરવું પડશે. એચડીએફસી બૅન્ક અને આઇસીઆઇસીઆઇ બૅન્ક જેવા ખાનગી લેન્ડર્સ પણ એસબીઆઇનું અનુસરણ કરે તેવી શક્યતા છે.

Published on: Wed, 23 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer