પીઓકેના ગિલગિટને પ્રાંત બનાવવાની પાકિસ્તાનની ચાલ

રાજકીય સમર્થન માટે પાક. સેના પ્રમુખે ગુપ્ત બેઠક બોલાવી
ઈસ્લામાબાદ, તા.રર: પાકિસ્તાન સરકારે પીઓકેના વિવાદીત ક્ષેત્ર ગિલગિટ અને બાલ્ટિસ્તાનને પ્રાંતનો દરજ્જો આપવાનો નિર્ણય લીધો છે. પીઓકેમાં કોઈ પણ પ્રકારનો બદલાવ કે ચૂંટણીની ગુસ્તાખી ન કરવાની ભારત અગાઉ પાકને ચેતવણી આપી ચૂકયું છે.
અત્યાર સુધી આઝાદ કાશ્મીરનું રટણ કરતાં પાકિસ્તાને એલાન કર્યુ કે ગિલગિટ અને બાલ્ટિસ્તાનમાં પણ ચૂંટણી કરાવવામાં આવશે. પીઓએ અંગે પાકિસ્તાનના આ નાપાક કાવતરા અંગે એવું કહેવાય છે કે પાકિસ્તાનના ગિલગિટ પ્લાન પાછળ પાક સેનાના પ્રમુખ કમર જાવેદ બાજવાનો હાથ છે. 
પાક મીડિયાના અહેવાલ મુજબ ગિલગિટ મામલે પાક સેના પ્રમુખે તાજેતરમાં દેશના તમામ મોટા રાજકીય પક્ષોના નેતાઓને રાવલપિંડીના સેના ભવનમાં દાવતનું આયોજન કર્યુ હતુ. જેમાં નવાજ શરીફના ભાઈ શાહબાજ શરીફ, આસિફઅલી જરદારીના પુત્ર બિલાવલ ભુટ્ટો તથા આઈએસઆઈના પ્રમુખ સહિત અનેક આગેવાનો સામેલ હતા. 
દાવત રૂપે આ એક ગુપ્ત બેઠક હતી જેમાં ગિલગિટ અને બાલ્ટિસ્તાન મુખ્ય મુદ્દો હતો. જાહેરમાં આ મામલે કોઈ કંઈ બોલ્યુ નથી પરંતુ મીટિંગ દરમ્યાન બાજવાને બિલાવલ ભુટ્ટો અને શાહબાજ શરીફ સાથે રકઝક થઈ હતી. બાજવા ઈચ્છે છે કે પીઓકે પર ભારતની કાર્યવાહીનો ભય છે તો ચીન અહીં મોટાપાયે રોકાણ કરી રહ્યું હોવાથી ગિલગિટને એક પ્રાંત બનાવવા ઈચ્છે છે. જેથી રાજકીય દળો તે માટે સમર્થન આપે. બિલાવલે રાજનીતિમાં પાક સેનાની દરમિયાનગીરીનો વિરોધ કર્યો હતો.
Published on: Wed, 23 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer