રસીની રેસમાં હવે અમેરિકા મોખરે

નવેમ્બર-ડિસેમ્બરમાં વૅક્સિન આવવાની આશા
નવી દિલ્હી, તા.22: દુનિયાભરમાં હાહાકાર મચાવતા કોરોના સંક્રમણ વચ્ચે વિરાટ ફાર્મા કંપનીઓ દ્વારા રસી બનાવવાની કવાયત પણ તેજ બનાવી દેવામાં આવી છે. અનેક કંપનીઓ આ વર્ષનાં અંત અથવા તો આગામી વર્ષનાં આરંભે રસીને બજારમાં ઉતારવાના દાવા કરી રહી છે. અત્યાર સુધી રસીની રેસમાં સૌથી આગળ ગણાતી ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકાની રસી પણ હવે પાછળ રહી ગઈ છે. અમેરિકાની કંપની ફાઈઝર-બાયોએનટેકની રસી હવે આ દોડમાં સૌથી આગળ નીકળી ગઈ છે. એવું કહેવાય છે કે આ બન્ને કંપનીઓ ઓક્ટોબર સુધીમાં રસીની અસરકારકતા ચકાસી લેશે. ત્યારબાદ જો તેને વપરાશની મંજૂરી મળી જાય તો નવેમ્બર કે ડિસેમ્બરમાં જ તેને અમેરિકાની બજારમાં ઉતારી દેવામાં આવશે. કોરોનાની રસીની આ દોડમાં બીજા ક્રમે પણ અમેરિકાની જ કંપની છે. મોડર્ના પોતાની રસીનાં ત્રીજા ચરણનાં પરીક્ષણો કરી રહી છે. જેનાં તારણો પણ ડિસેમ્બર સુધીમાં મળી જવાની આશા છે. આ રસીને પણ જો આપાત મંજૂરી આપવામાં આવે તો આગામી જાન્યુઆરીમાં બજારમાં આવી શકે છે. આ પહેલા રશિયાએ સ્પૂતનિક-વી રસીનું એલાન કરી દીધેલું છે. આવી જ રીતે ચીન પણ પોતાની ત્રણ રસી તેના દેશમાં આપવા લાગ્યું છે. જો કે આ રસીએ ત્રીજા તબક્કાનાં પરીક્ષણો પૂરા ન કર્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. તેથી તેની વિશ્વસનીયતા સામે ગંભીર સવાલ ઉભા થયા છે. ભારતમાં અત્યારે સીરમ ઈન્સ્ટીટયુટ ઓક્સફોર્ડની અને અમેરિકાની કંપની નોવાવેક્સની રસીનાં ત્રીજા તબક્કાનાં પરીક્ષણો કરી રહી છે.
Published on: Wed, 23 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer