મુંબઈગરા માટે લોકલ ટ્રેનો ફરી શરૂ કરો : મનોજ કોટક

`ભાંડુપ અને વિક્રોલીમાં ટ્રેનોને સ્ટોપ આપો'
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 22 : લોકલ ટ્રેનો બંધ હોવાથી મુંબઈગરાને વેઠવી પડતી મુશ્કેલીનો ઉલ્લેખ કરીને ભાજપના ઇશાન મુંબઈના સાંસદ મનોજ કોટકે લોકલ ટ્રેનો ફરી શરૂ કરવાની માગણી લોકસભામાં કરી છે.
કોટકે થોડા સમય પહેલા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને લોકલ ટ્રેનો બંધ હોવાથી નાગરિકોને વેઠવી પડતી મુશ્કેલી અંગે ચિંતા વ્યક્ત કરી હતી. કોટકે મુખ્ય પ્રધાનને લખી જણાવ્યું હતું કે કોરોનાના રોગચાળાને લીધે મુંબઈગરાને પારાવાર અવગડનો સામનો કરવો પડી રહ્યો છે. તે પત્ર અનુસાર કોટકે ગઈકાલે લોકસભામાં લોકલ ટ્રેનો 
શરૂ કરવાની માગણી કરીને દોહરાવી હતી.
કોટકે લોકસભામાં વધુમાં જણાવ્યું હતું કે લોકલ ટ્રેનોને ભાંડુપ અને વિક્રોલીમાં થોભાવવામાં આવે. આ બંને સ્ટેશનોના પરિસરમાં સેંકડો સરકારી કર્મચારીઓ રહે છે. તેઓ મુંબઈમાં અતિઆવશ્યક સેવા જાળવી રાખવા માટે મહત્ત્વની કામગીરી બજાવે છે. તેઓ માટે ઘરેથી ફરજના સ્થળે પહોંચવા માટે ભરોસાપાત્ર વાહન લોકલ ટ્રેન જ છે. આ બે સ્ટેશનોએ લોકલ ટ્રેનોને થોભાવવામાં આવે તો તેઓને મોટી રાહત મળશે. તેઓ કોરોનાના ઉપદ્રવ ટાણે સેવા પૂરી પાડીને પોતાના જીવ જોખમમાં મૂકીને ફરજ બજાવી રહ્યા છે. તેથી તેઓની વ્યથાને હું વાચા આપી રહ્યો છું, એમ મનોજ કોટકે ઉમેર્યું હતું.
Published on: Wed, 23 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer