કલાકારોને આર્થિક સહાય માટે હિતુ કનોડિયાએ મુખ્ય પ્રધાનને વિનંતી કરી

અમદાવાદ, તા.22 : રાજ્યમાં નવરાત્રીનું આયોજન કરવું કે નહીં તે વિશે લોકોમાં મતભેદ છે. નવરાત્રીને લઇ તબીબોએ સ્પષ્ટ કહી દીધુ છે કોરોના મહામારીમાં આ પ્રકારનું આયોજન કરવું જોઇએ નહીં તથા જો રાજ્યમાં નવરાત્રી માટે પરવાનગી આપવામાં આવશે તો તબીબો આ સમયગાળા દરમિયાન કોરોના સંક્રમિત થનારા લોકોની સારવાર કરશે નહીં. ત્યાં જ હવે આ મામલે મનોરંજન જગત સાથે સંકળાયેલા અને ઇડરના ભાજપના ધારાસભ્ય હિતુ કનોડિયાએ કલાકાર-કસબીઓની ગંભીર સ્થિતિમાં સત્વરે સહાયભૂત થવા રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીને પત્ર લખ્યો છે. હિતુ કનોડિયાએ પત્રમાં જણાવ્યું છે કે, લોકડાઉનમાં કલાકાર-કસબીઓની હાલત કફોડી થઈ છે. કલાકાર-કસબીઓને સહાય આપવામાં આવે નહીં તો મજબૂરીમાં નાછૂટકે આપઘાતનો માર્ગ અપનાવે તેવા સંજોગો ઉભા થઇ શકે છે. આથી ગંભીરતાને ધ્યાનમાં લઈ તાકીદે આર્થિક સહાયની જાહેરાત કરવી જોઇએ.
Published on: Wed, 23 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer