નિકાસ પર પ્રતિબંધ છતાં કાંદાના ભાવમાં તેજી

નિકાસ પર પ્રતિબંધ છતાં કાંદાના ભાવમાં તેજી
મુંબઈ, તા. 22 : નિકાસ પર પ્રતિબંધ આવવાથી કાંદાના ભાવ ઘટશે એવી શક્યતા હતી પરંતુ છૂટક બજારમાં કાંદાના ભાવમાં તેજી આવી છે. મહારાષ્ટ્ર સહિત દક્ષિણના રાજ્યોમાં અતિવૃષ્ટિને લીધે જૂના કાંદાની આવક ઓછી પડતાં કાંદાના ભાવ વધ્યા છે. 
મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં મોટા પ્રમાણમાં કાંદાનો પાક લેવાય છે. ગયા મહિનાથી મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશમાં વરસાદ પડી રહ્યો છે જેને કારણે  કાંદાના પાકને નુકસાન થયું છે. મહારાષ્ટ્રમાં નવા કાંદાની સિઝન નવેમ્બરથી શરૂ થાય છે પરંતુ એમાં વિલંબ થવાની શક્યતા છે. કર્ણાટકના નવા લાલ કાંદાની સિઝન સપ્ટેમ્બર મહિનાથી શરૂ થાય છે. ત્યાં પણ વરસાદને લીધે પાકને નુકસાન થતાં કાંદાની આવક પર અસર પડશે, એવું છત્રપતિ શિવાજી માર્કેટ યાર્ડના કાંદાના વેપારીએ જણાવ્યું હતું. 
માર્કેટ યાર્ડના જથ્થાબંધ બજારમાં રોજ 40થી 50 ટ્રક કાંદાની આવક થાય છે. જથ્થાબંધ બજારમાં સારી ગુણવત્તાના જૂના કાંદા, દસ કિલોના 350થી 400 રૂપિયાના ભાવે વેચાયા છે. મધ્યમ ગુણવત્તાના કાંદા, દસ કિલોના 300થી 350 રૂપિયાના ભાવે વેચાયા છે. છેલ્લા બે-ત્રણ દિવસમાં ભાવમાં કિલોએ 10થી 15 રૂપિયાનો વધારો થયો છે. 
કર્ણાટકમાં નવા કાંદાની સિઝન શરૂ થઈ છે પરંતુ ધોધમાર વરસાદને લીધે કાંદા ખરાબ થઈ ગયા છે. મહારાષ્ટ્રના કાંદા ઉત્પાદક ખેડૂતો પાસે જૂના કાંદાનો જથ્થો છે. પરંતુ માગના પ્રમાણમાં જૂના કાંદાની આવક અપૂરતી છે. 
સારી ગુણવત્તાના જૂના કાંદાની માગ વધી રહી હોવાથી ત્રણ દિવસમાં છૂટક બજારમાં કાંદાના ભાવમાં કિલોદીઠ 10થી 15 રૂપિયાનો વધારો થયો છે. વર્તમાનમાં આ કાંદા કિલોદીઠ 40થી 50 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યાં છે પરંતુ આવક ઓછી હોવાથી કાંદાના ભાવ 50 રૂપિયા સુધી જવાની શક્યતા છે એવી ચર્ચા છે. 
Published on: Wed, 23 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer