સરકાર મંજૂરી આપે તો સયાજીનગરી ટ્રેનને ભચાઉ-સામખિયાળીમાં સ્ટોપેજ મળે

સરકાર મંજૂરી આપે તો સયાજીનગરી ટ્રેનને ભચાઉ-સામખિયાળીમાં સ્ટોપેજ મળે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 22 : મુંબઈ-ભુજ વચ્ચે શરૂ થયેલી સયાજીનગરી એક્સ્પ્રેસ સ્પેશિયલ ટ્રેનમાં વાગડના સામખિયાળી અને ભચાઉમાં કોવિડ સેન્ટર ન હોવાથી સ્ટોપેજ મળી શકશે નહિ, એમ પશ્ચિમ રેલવેના અધિકારીઓએ જણાવ્યું છે.
મુંબઈ-ભુજ વચ્ચે સયાજીનગરી (08-115-16) સ્પેશિયલ ટ્રેન શરૂ કરાઈ છે પણ તેમાં ભચાઉ અને સામખિયાળી સ્ટેશનોએ સ્ટોપેજ અપાયા નથી. આથી વાગડના લોકોમાં નારાજગી વ્યાપી હતી. આથી વાગડ વીસા ઓશવાળ ચોવીસી મહાજન વતી સચિવ અરવિંદ સાવલા અને શ્રી કચ્છ પ્રવાસી સંઘના કન્વીનર નીલેશ શ્યામ શાહે આજે વેસ્ટર્ન રેલવેના જનરલ મૅનેજર (જીએમ) સીઓએમ (ચીફ અૉપરેશનલ મૅનેજર) અને સીપીટીએમ (ચીફ પેસેન્જર ટ્રાન્સપોર્ટ મૅનેજર)ને આવેદન પત્ર સુપરત ર્ક્યું હતું. સીપીટીએમ ઉદયશંકર ઝાએ જણાવ્યું કે ભચાઉ-સામખિયાળીમાં કોવિડ સેન્ટર ન હોવાથી સ્ટોપેજ અપાયા નથી વળી કોરોના મહામારીના સમયમાં નિયમ અનુસાર બે સ્ટોપ વચ્ચે 100 કિલોમીટરનું અંતર હોવું જોઈએ છતાં ગુજરાત સરકાર પરવાનગી આપે તો સ્ટોપેજ આપવામાં વાંધો નથી.
આ માહિતી આપતાં શ્રી કચ્છ પ્રવાસી સંઘના નીલેશ શ્યામ શાહે જણાવ્યું કે અમે કચ્છના કેલકટર ડી.કે. પ્રવીણાબેનને અૉનલાઈન પત્ર પાઠવ્યો છે. હાલના સંજોગોમાં ઈન્સ્ટિટયૂશનલ કોરેન્ટાઈન કરવામાં આવતું નથી. જૂનની 19 અને 28મીએ બે ટ્રેન ગઈ હતી જેના પ્રવાસીઓને ત્રણ દિવસ રેલવે તંત્રે કોરન્ટાઈન ર્ક્યા હતા. એ પછી ગામમાં 12 દિવસ પ્રવાસીઓ કોરન્ટાઈન થયા હતા.
Published on: Wed, 23 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer