ભિવંડીની મકાન દુર્ઘટનાનો મરણાંક 20 થયો

ભિવંડીની મકાન દુર્ઘટનાનો મરણાંક 20 થયો
નજીવું ભાડું હોવાથી ભાડૂતો ઘર ખાલી કરવા તૈયાર નહોતા 
અમારા પ્રતિનિધિ તરફથી 
ભિવંડી, તા. 22 : ભિવંડીમાં રવિવાર મધરાત બાદ તૂટી પડેલા ત્રણ માળના મકાનના કાટમાળમાંથી વધુ મૃતદેહ મળતા આ દુર્ઘટનામાં મૃત્યનો આંક હવે 20નો થઈ ગયો છે. સોમવારે મોડી રાત્રે નવ મૃતદેહ મળી આવ્યા હતા. જે નવ મૃતદેહ મળ્યા હતા એમાં અઢી વર્ષના એક બાળકનો અને એક જુવાન દંપતીના સમાવેશ હતો. કાટમાળમાંથી કુલ 25 રહેવાસીને રેસ્ક્યૂ કરવમાં આવ્યા હતા. બિલ્ડિંગમાં મોટાભાગે મજૂર, ફેરિયા અને ઓટો રિક્ષા ડ્રાઈવરો રહેતા હતા. મંગળવારે મોડી સાંજ સુધી બચાવ કામગીરી ચાલુ હતી. 
ભિવંડીના નારપોલી વિસ્તારમાં આવેલા પટેલ કમ્પાઉન્ડમાં રવિવારે મધરાત બાદ 3.40 વાગ્યે જિલાની ઈમારત પડી હતી. ત્રણ માળની આ બિલ્ડિંગમાં 40 ઘર હતા અને આશરે 150થી વધુ લોકો રહેતા હતા. આ બિલ્ડિંગ 43 વર્ષ જૂનું હતું અને સ્થાનિક નગરપાલિકાની જોખમી ઈમારતોની યાદીમાં એનું નામ નહોતું. બિલ્ડિંગમાં કેટલાક ગેરકાયદે બાંધકામ થયા હતા અને એક નોટિસ 2019માં અને બીજી નોટિસ આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં આપવામાં આવી હતી. મકાનનું ભાડું નજીવું હોવાથી કોઈ છોડવા તૈયાર નહોતું. 
મૃતકોમા બે શિશુ સહિત નવ બાળકોનો સમાવેશ છે. ઘાયલોને ભિવંડીની સ્થાનિક હૉસ્પિટલમાં દાખલ કરાયા છે. મહારાષ્ટ્ર સરકારે મૃતકોના પરિવારને રૂપિયા પાંચ લાખની સહાય આપવાની પણ જાહેરાત કરી છે. આ દુર્ઘટના સંબંધે પાલિકાએ એના બે કર્મચારીને સસ્પેન્ડ કર્યા છે અને બિલ્ડિંગના માલિક સય્યદ અહમદ જિલાની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.  પાલિકાએ દુર્ઘટનાની તપાસ કરવા એક સમિતિ પણ બનાવી છે અને એમા આસિસ્ટન્ટ ટાઉન પ્લાનરનો પણ સમાવેશ છે.
બે જોખમી ઈમારત ખાલી કરાવાઈ 
ભીવંડીમાં રવિવાર મધરાત બાદ બનેલી મકાન દુર્ઘટનાને કારણે સફાળી જાગેલી ભિવંડી નિઝામપુર પાલિકાએ દુર્ઘટના સ્થળ પાસે આવેલી બે જોખમી ઈમારત મંગળવારે ખાલી કરાવી હતી. આ બન્ને બિલ્ડિંગો પણ ત્રણ-ત્રણ માળની છે અને બન્નેમાં કુલ 40થી વધુ પરિવારો રહેતા હતા. બન્ને બિલ્ડિંગનું લાઈટ કનેકશન કાપી નાખવામાં આવ્યું છે અને તેને તોડી પાડવી કે કેમ એનો નિર્ણય હવે પછી લેવાશે. 
Published on: Wed, 23 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer