ત્રણ માગણી સાથે સંસદનો બહિષ્કાર કરતો સંગઠિત વિપક્ષ

ત્રણ માગણી સાથે સંસદનો બહિષ્કાર કરતો સંગઠિત વિપક્ષ
નવી દિલ્હી, તા. 22 : સંસદનું ચોમાસુ સત્ર બુધવારે સમાપ્ત થવાનું છે પણ તે સરકાર અને વિપક્ષ વચ્ચે ભારે કડવાશ વચ્ચે પૂર્ણ થાય તેવું લાગે છે. કારણ કે શાસક અને વિપક્ષ બન્ને પોતપોતાનાં અભિગમમાં અડગ છે. સંગઠિત વિપક્ષે રાજ્યસભા બાદ લોકસભાનો પણ બહિષ્કાર કરી નાખ્યો હતો અને ત્રણ માગણીઓ પૂરી કરવામાં ન આવે ત્યાં સુધી સંસદની કાર્યવાહીમાં ભાગ નહીં લેવાની ચિમકી ઉચ્ચારી હતી. આ સાથે રાજ્યસભામાં હોબાળો મચાવનાર આઠ સાંસદોનું સસ્પેન્શન પણ પાછું ખેંચવાની માગણી ઉઠાવવામાં આવી હતી. સામે પક્ષે સરકારે પણ આઠેય સાંસદો માફી માગે તો સસ્પેન્શન પાછું ખેંચવા વિચારણાની શરત રાખી હતી. સસ્પેન્ડ થયેલા સાંસદો ગઈકાલની સંસદના પ્રાંગણમાં જ વિતાવ્યા બાદ આજે 11.30 કલાક સુધી સંસદનાં પટાંગણમાં જ ધરણા ઉપર બેસી રહ્યા હતાં. તો એનસીપીનાં વડા શરદ પવાર પણ સસ્પેન્ડેડ સાંસદોનાં સમર્થનમાં ઉપવાસ ઉપર ઉતરી ગયા હતાં. સામે પક્ષે રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશે પણ આવતીકાલ સુધી એક દિવસના ઉપવાસની જાહેરાત કરીને વિપક્ષી આક્રમણ સામે સંતાપ વ્યક્ત કર્યો હતો. 
આઠ સાંસદોનું સસ્પેન્શન પાછું ખેંચવાની વિપક્ષની માગણીને ફગાવતા રાજ્યસભાનાં સભાપતિ એમ.વેંકૈયા નાયડુએ કહ્યું હતું કે, જે કાર્યવાહી કરવામાં આવી તે સદસ્યોનાં દુર્વ્યવહાર સામે કરવામાં આવી છે અને તેમાં વ્યક્તિગત દ્વેષ નથી. 
હરિવંશ આજે સંસદભવનનાં પ્રાંગણમાં ધરણા ઉપર બેઠેલા આઠ રાજ્યસભા સદસ્યોને સવારે ચા પીવડાવવા માટે પહોંચ્યા હતાં પણ પ્રદર્શનકારી સાંસદોએ તેમને કિસાન વિરોધી ગણાવીને ચાનો અસ્વીકાર કરી નાખ્યો હતો. ત્યારબાદ હરિવંશે પણ એક દિવસનાં ઉપવાસની જાહેરાત કરી દીધી હતી. તેમણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુને એક પત્ર લખ્યો હતો અને ગૃહમાં વિપક્ષનાં હુમલાની પીડા વ્યક્ત કરીને એક દિવસના ઉપવાસ કરશે તેવું જણાવ્યું હતું. તેમનાં આ પત્રની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પ્રશંસા કરી હતી. આ સાથે જ સાંસદોએ ચા સ્વીકારવાનો ઈન્કાર કરીને હરિવંશનું અપમાન કર્યુ હોવાનું કહીને તેમને સમર્થન આપ્યું હતું.
Published on: Wed, 23 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer